Advertisement

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા : સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા : સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલને ગુજરાત સરકારે મક્કમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો, ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપી હતી.


સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ હવે સરકારી કામકાજ માટે માત્ર જરૂરી હોય ત્યારે જ પ્રવાસ કરવામાં આવશે. અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા ડિજિટલ માધ્યમોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, મીટિંગો માટે ક્ષેત્રીય અધિકારીઓને પ્રત્યક્ષ બોલાવવાના બદલે વર્ચ્યુઅલ બેઠક યોજવા ભાર મૂકાયો છે. અન્ય રાજ્યો અને કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા તાકીદ કરવામાં આવી છે.


સરકારે અનિવાર્ય પરિસ્થિતિ સિવાય વિદેશ પ્રવાસ, વિદેશી તાલીમ અને પરિસંવાદોમાં ભાગ લેવાનું ટાળવા પણ સૂચના આપી છે. રાજ્ય બહારના પ્રવાસ દરમિયાન જરૂરી ન હોય તેવા સ્ટાફને સાથે ન રાખવા જણાવાયું છે. સાથે જ જિલ્લા બહારની મુસાફરી માટે નિયંત્રણ અધિકારીને પૂર્વ જાણ કરવાની ફરજિયાતી કરવામાં આવી છે.


સરકારી વાહનોના ઉપયોગમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વધારાના વાહનોને ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવા અને ઈલેક્ટ્રિક અથવા હાઈબ્રિડ વાહનોનો ઉપયોગ પ્રાથમિકતા આપવા સૂચનાઓ અપાઈ છે. અધિકારીઓ અને કર્મચારીઓને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જાહેર સુવિધા માટે મેટ્રોની સમયમર્યાદા પણ રાત્રે ૧૧ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.


આ ઉપરાંત તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને એમએસએમઈને પ્રાથમિકતા આપતી પ્રોક્યોરમેન્ટ પૉલિસી વધુ મજબૂત બનાવાશે. સરકારી કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ પદ્ધતિ અપનાવવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આગામી છ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પીએનજી ગેસ કનેક્ટિવિટી ફરજિયાત બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.


પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના નાગરિકોને ગભરાટમાં આવી બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોરોના કાળ દરમિયાન જેમ ગુજરાતના નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો, તેવી જ રીતે આ વખતે પણ રાજ્યના લોકો દેશહિતમાં સંપૂર્ણ સહયોગ આપશે.


સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયો દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશમાં ઘટાડો કરી પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Advertisement