ગાંધીનગર: રાજ્યની સરકારી અને જિલ્લા હોસ્પિટલોમાં સારવાર લેતા લાખો દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે 'એસેન્સિયલ ડ્રગ લિસ્ટ' (EDL) ને રિવાઈઝ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે દર્દીઓને મળતી દવાઓની સંખ્યામાં વધારો કરીને કુલ 1479 કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ગ્રામીણ અને શહેર વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈ સિવિલ હોસ્પિટલો સુધી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે.
લિસ્ટમાં 150 નવી દવાઓનો ઉમેરો, 57 દવાઓ રદ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બાદ, જે દવાઓની ઉપયોગિતા ઓછી છે તેવી 57 દવાઓને રદ કરવામાં આવી છે, જ્યારે તેની સામે આધુનિક સારવાર માટે જરૂરી એવી 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. આગામી વર્ષે દર્દીઓને સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક આઈટમ્સ સહિતની કુલ 1479 મેડિસિન્સ મફત મળશે.
કયા રોગોની દવાઓમાં થયો વધારો?
નવા રિવાઈઝ લિસ્ટમાં ખાસ કરીને શ્વસનતંત્ર, હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:
- એન્ટિ ઈન્ફેક્ટિવ મેડિસિન્સ: 202 થી વધારીને 216 કરાઈ.
- શ્વસનતંત્ર (Respiratory): 29 થી વધારીને 40 કરાઈ.
- આંખની દવાઓ: 51 થી વધારીને 58 કરાઈ.
- મેડિકલ ડિવાઈસીસ: 287 થી વધારીને 349 કરાયા.
અન્ય ગંભીર રોગો: હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યુરોલોજીની 75 અને માનસિક રોગોની 43 નવી દવાઓનો સમાવેશ.
આરોગ્ય કેન્દ્રોથી મેડિકલ કોલેજ સુધીની સુવિધા
સરકાર દ્વારા રિવાઈઝ કરાયેલું આ એસેન્સિયલ ડ્રગ લિસ્ટ રાજ્યના તમામ સ્તરો પર લાગુ થશે. જેમાં ગ્રામીણ વિસ્તારોના PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર), CHC (સામુદાયિક આરોગ્ય કેન્દ્ર) થી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન મોટી સિવિલ હોસ્પિટલોમાં પણ આ તમામ દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. જોકે, સરકારે જે 57 દવાઓ રદ કરી છે તેની યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.