ગુજરાત સરકારના કર્મચારીઓ માટે વર્ષ 2027ની જાહેર રજાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આગામી વર્ષ દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં કુલ 18 જાહેર રજાઓ રહેશે.
જાહેર કરાયેલા રજાઓના કેલેન્ડરમાં રાજ્યના વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી અને મહાવીર જન્મકલ્યાણકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે પણ સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે.
વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર રજાઓની સાથે સરકારી કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા અને ચોથા શનિવારની રજાના બદલામાં વધારાની રજા નહીં
જાહેરનામામાં રજાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે. જો કોઈ જાહેર રજા બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારે આવે તો તેના બદલામાં અન્ય કોઈ દિવસે વધારાની રજા આપવામાં આવશે નહીં.
બીજી તરફ, મુસ્લિમ ધર્મના તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. એટલે કે ચંદ્રદર્શન અને તહેવારની સત્તાવાર તારીખ મુજબ રજામાં ફેરફાર થઈ શકે છે.
આમ, ગુજરાત સરકારે વર્ષ 2027 માટેનું જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કરી દીધું છે, જેના આધારે રાજ્ય સરકારના કર્મચારીઓ આગામી વર્ષની રજાઓ અને અન્ય આયોજન કરી શકશે.