Advertisement

ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર

ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર

ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી ૨૧ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થવા જઈ રહી હોવાથી ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી દ્વારા રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે નવા સભ્યોની પસંદગી કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે ચૂંટણી પંચના માર્ગદર્શિકા મુજબ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે.


મુદત પૂર્ણ કરી રહેલા રાજ્યસભાના સભ્યોમાં શ્રી રામભાઈ હરજીભાઈ મોકરીયા, શ્રી અમીન નરહરી હીરાભાઈ, શ્રી ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી તથા સુશ્રી રમીલા બેચરભાઈ બારાનું નામ સમાવેશ થાય છે. આ ચાર બેઠકો માટે ૧ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.


ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૮ જૂન ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૯ જૂનના રોજ હાથ ધરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન રહેશે. ત્યારબાદ ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે અને તે જ દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી કરવામાં આવશે.


મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વહીવટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૨ જૂન ૨૦૨૬ સુધી પૂર્ણ કરવામાં આવશે.

Advertisement