ગુજરાતમાં ડ્રગ્સના કિસ્સાઓમાં કાર્યવાહી કરીને પોલીસ અને સરકાર વખાણ મેળવી રહી છે, પરંતુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોના નિકાલને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર SOG દ્વારા પકડાયેલા અફીણના જથ્થામાંથી મોટો ભાગ ગાયબ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને લઈને ખાખી વર્દી શંકાના ઘેરામાં આવી ગઈ છે.
માહિતી મુજબ, ફેબ્રુઆરી 2022માં SOGએ અંદાજે 31 કિલો અફીણ પકડ્યું હતું, પરંતુ બાદમાં માત્ર 2 કિલો જ નાશ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બાકીના 29 કિલો અંગે પૂછતાં પોલીસ દ્વારા ‘બાષ્પીભવન’ના કારણે વજન ઘટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય લાગતો નથી અને ચર્ચાનો વિષય બન્યો છે.
આવો જ કિસ્સો આંકલાવ પોલીસ સ્ટેશનમાં પણ સામે આવ્યો છે, જ્યાં 226 કિલો ખસખસમાંથી 27 કિલોનો હિસાબ નથી મળતો અને તેનો પણ બાષ્પીભવન થવાનો જવાબ આપવામાં આવ્યો છે. કેગના રિપોર્ટ મુજબ જપ્ત અને નાશ કરાયેલા જથ્થામાં મોટા તફાવત જોવા મળતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને હવે માદક દ્રવ્યો આખરે જાય ક્યાં? તે મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી છે.