ગુજરાત કેડરના IAS કે. રાજેશ સામે મોટી કાર્યવાહી, સરકારે કર્યો પ્રિમેચ્યોર રિટાયરમેન્ટનો નિર્ણય

ગુજરાત કેડરના IAS કે. રાજેશ સામે મોટી કાર્યવાહી, સરકારે કર્યો પ્રિમેચ્યોર રિટાયરમેન્ટનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી કે. રાજેશ સામે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી સસ્પેન્ડ રહેલા કે. રાજેશને સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહેલા કે. રાજેશ વિરુદ્ધ અગાઉ CBI અને ED દ્વારા ભ્રષ્ટાચાર તથા મની લોન્ડરિંગ સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી હતી.

2022માં CBIએ કરી હતી ધરપકડ

કે. રાજેશની જુલાઈ 2022માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. CBIની તપાસ અને ચાર્જશીટમાં તેમના પર સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન કથિત રીતે અયોગ્ય વ્યક્તિઓને હથિયાર લાઇસન્સ અપાવવા, સરકારી જમીનની ફાળવણી તથા સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવાના બદલામાં ગેરકાયદે લાભ લેવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.

આ આરોપો અંગે કાયદાકીય પ્રક્રિયા અને તપાસ એજન્સીઓની કાર્યવાહી આગળ ચાલી રહી હતી.

સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન તપાસ

કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન નાણાકીય અને વહીવટી ગેરરીતિના આક્ષેપોને લઈને તપાસ શરૂ થઈ હતી.

CBIએ મે 2022માં તેમની સામે કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીના દાવા મુજબ, કેસમાં આશરે રૂ.98 હજારની કથિત લાંચ અને ભેટોની લેવડદેવડ અંગે પુરાવા મળ્યા હતા. તપાસમાં આ રકમ તેમના કથિત મધ્યસ્થી રફીક મેમણના બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, કથિત ખોટા ઇન્વોઇસ બનાવવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી હતી.

ચૂંટણી ખર્ચના ખાતાને લઈને પણ તપાસ

CBI તપાસને લગતા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કે. રાજેશના સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં રહેલી રકમમાં નોંધપાત્ર વધારો થયો હતો.

તપાસ એજન્સીના સૂત્રોના હવાલાથી આવેલા અહેવાલોમાં હથિયાર લાઇસન્સ તેમજ માઇનિંગ અને રેતીની ક્વેરી લીઝ સંબંધિત અરજદારો પાસેથી કથિત રીતે મેળવવામાં આવેલી રકમ આ ખાતામાં જમા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

CBI બાદ EDએ પણ શરૂ કરી તપાસ

CBI કેસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ કે. રાજેશ સામે મની લોન્ડરિંગના આરોપોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા.

ત્યારબાદ EDએ કે. રાજેશ તથા તેમના પરિવારના સભ્યોની સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી હતી. ઓક્ટોબર 2022માં EDએ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી.

EDની કાર્યવાહી મુજબ, સરકારી ફરજ બજાવવાના બદલામાં સામાન્ય લોકો પાસેથી કથિત રીતે ગેરકાયદે લાભ મેળવવામાં આવ્યો હોવાના આરોપોની તપાસ કરવામાં આવી હતી.

કોણ છે કે. રાજેશ?

કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે અને મૂળ આંધ્રપ્રદેશના હોવાનું જણાવાય છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું.

તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાત કેડરમાં નિમણૂક બાદ તેમણે જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતની જવાબદારીઓ સંભાળી હતી.

બાદમાં તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા.

હવે સરકારી સેવામાંથી પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

CBI અને EDની તપાસ તથા લાંબા સમયથી ચાલતી સસ્પેન્શનની કાર્યવાહી વચ્ચે હવે રાજ્ય સરકારે કે. રાજેશને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી બાદ તેમના સરકારી સેવાના ભવિષ્ય પર પણ અંત આવ્યો છે.

નોંધ: ઉપરોક્ત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓ તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો/દાવાઓ પર આધારિત છે. આરોપો અંગે અંતિમ કાનૂની નિષ્કર્ષ સંબંધિત અદાલતી પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.