Advertisement

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025 બેચના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025 બેચના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે


ગાંધીનગર ખાતે ગુજરાત કેડરમાં ફાળવાયેલા વર્ષ 2025ની ભારતીય સનદી સેવા (આઈએએસ) બેચના 8 પ્રોબેશનરી અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા બાદ આ અધિકારીઓને ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ પ્રોબેશનરી અધિકારીઓને બાવન સપ્તાહની જિલ્લા તાલીમ માટે બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, કચ્છ, પંચમહાલ, ગોધરા, વલસાડ, રાજકોટ અને મહીસાગર જિલ્લામાં ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા તાલીમ દરમિયાન તેઓ જાહેર આરોગ્ય અને પોષણ, વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ, સોશિયલ અને ફાઇનાન્સિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્નન્સ, કાયદો અને વ્યવસ્થા તેમજ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયો પર પ્રાયોગિક તાલીમ મેળવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સામાન્ય માનવી તેમજ વંચિત-ગરીબ વર્ગના કલ્યાણ માટે સેવા ભાવનાથી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને પારદર્શક અને જવાબદાર વહીવટ આપવો એ અધિકારીઓની મહત્વપૂર્ણ જવાબદારી છે.


જિલ્લા તાલીમ પૂર્વે આ તમામ અધિકારીઓ હાલમાં અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં ચાર સપ્તાહની સંસ્થાકીય તાલીમ લઈ રહ્યા છે, જે 26 મેના રોજ પૂર્ણ થવાની છે. અધિકારીઓએ પણ સ્પીપામાં મળતી તાલીમ તેમની કારકિર્દી ઘડતરમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનું જણાવ્યું હતું.


આ મુલાકાત દરમિયાન સ્પીપાના ડિરેક્ટર જનરલ તથા વહીવટી સુધારણા વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, નિયામક ચંદ્રેશ કોટક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement