Advertisement

ગુજરાત ગરમીમાં ધગધગતું બન્યું... : અમરેલીમાં 43.3°Cનો ત્રાસ, અમદાવાદમાં પણ 42 પાર

ગુજરાત ગરમીમાં ધગધગતું બન્યું... : અમરેલીમાં 43.3°Cનો ત્રાસ, અમદાવાદમાં પણ 42 પાર

ગુજરાતમાં ઉનાળાનો અસલી તાવ ચડી ગયો છે અને રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અહેવાલ મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 1થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે, જેના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે. શુક્રવારે ખાસ કરીને અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી, જ્યાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું.


રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ તાપમાન મુજબ અમરેલીમાં 43.3°C, રાજકોટમાં 43.1°C, અમદાવાદમાં 42.1°C અને વડોદરામાં 41.6°C નોંધાયું છે. ઉપરાંત ગાંધીનગરમાં 41.5°C, ભુજમાં 41.4°C અને સુરતમાં 40.0°C તાપમાન નોંધાતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે.


માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીમાંથી કોઈ રાહત મળી રહી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 27°C સુધી પહોંચતા રાત્રે પણ ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોની ઊંઘ પર પણ અસર પડી રહી છે.


દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું હોવા છતાં બફારાની સમસ્યા વધી રહી છે. દ્વારકા અને વેરાવળ જેવા વિસ્તારોમાં તાપમાન 32°C આસપાસ હોવા છતાં ભેજના કારણે “ગરમ અને ભેજવાળું” વાતાવરણ લોકો માટે વધુ મુશ્કેલીભર્યું બન્યું છે.


હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીમાંથી કોઈ મોટી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. તેથી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું, વધુ પાણી, છાશ અને પ્રવાહી પીવું તેમજ આછા રંગના અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવી છે.

Advertisement