Advertisement

ગુજરાત CIDનો મોટો ખુલાસો: 77 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 16 આરોપી ઝડપાયા

ગુજરાત CIDનો મોટો ખુલાસો: 77 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 16 આરોપી ઝડપાયા


રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમ વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમે દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સાયબર છેતરપિંડીના કાળા નાણાંને સગેવગે કરવા માટે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવતી ગેંગના 16 સભ્યોની ધરપકડ કરી છે.


તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશભરમાં અંદાજે ₹77.72 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. ઉપરાંત 260થી વધુ બેંક એકાઉન્ટ્સ અને 375 સાયબર ફ્રોડ કેસ સાથે આ નેટવર્ક જોડાયેલું હોવાનું ખુલ્યું છે. તપાસમાં આ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


વડોદરા મોડ્યુલ: બોગસ કંપનીઓના નામે ખાતા


વડોદરામાંથી આ રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ‘શિવમ એજન્સી’, ‘શિવધારા મસાલા બિઝનેસ’ અને ‘એમઆર વોટર’ જેવી શેલ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા.


આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ સાયબર ઠગોને સોંપી દેવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


પાલનપુર લિંક: બેંક ડેટા અને દસ્તાવેજો મળી આવ્યા


પાલનપુરમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ અનેક બેંક ખાતા ખોલાવી તેને ગેંગના મુખ્ય નેટવર્ક સુધી પહોંચાડતા હતા. પોલીસે અહીંથી બેંક ડેટા, આધાર-પાન કાર્ડની વિગતો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા છે.


ગોવામાં મળ્યું રેકેટનું ઓપરેશન હબ


ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે ગોવામાં દરોડો પાડી પાટણના જીતુભાઈ ઠક્કર સહિત 9 આરોપીઓને ઝડપ્યા છે. અહીંથી ગેંગનું મુખ્ય સંચાલન થતું હતું.


પોલીસને અહીંથી 15 લેપટોપ, 72 મોબાઈલ, 126 સિમ કાર્ડ, 115 ડેબિટ કાર્ડ અને અનેક QR કોડ મળી આવ્યા છે. લેપટોપમાંથી સાયબર ક્રાઈમ ફરિયાદો અને ટ્રાન્ઝેક્શનનો મોટો ડેટા પણ મળ્યો છે.


ઠગાઈ કરવાની રીત


આ ગેંગ લોકો સાથે ‘ડિજિટલ એરેસ્ટ’, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI સ્કેમ અને પાર્ટ-ટાઈમ જોબના નામે છેતરપિંડી કરતી હતી. બેંક એકાઉન્ટ્સ મારફતે પૈસાની હેરફેર કરવામાં આવતી હતી.


દુબઈ સાથે કનેક્શન


પોલીસે આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસ કરતા દુબઈ સહિત અન્ય દેશોના સંપર્કો મળ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર થતી હોવાનું સામે આવ્યું છે.


CID ક્રાઈમ મુજબ આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

Advertisement