Advertisement

ગુજરાત બન્યું ‘ભઠ્ઠી’: કંડલામાં પારો 45 ડિગ્રીને પાર, અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; જાણો અંબાલાલ પટેલે ક્યારે આપી વરસાદની આગાહી

ગુજરાત બન્યું ‘ભઠ્ઠી’: કંડલામાં પારો 45 ડિગ્રીને પાર, અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; જાણો અંબાલાલ પટેલે ક્યારે આપી વરસાદની આગાહી

અમદાવાદ: સમગ્ર ગુજરાત હાલમાં કાળઝાળ ગરમીની ભયાનક લપેટમાં છે અને સૂર્યદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 9 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખાસ કરીને કચ્છના કંડલામાં તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે, જે ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે. અમદાવાદમાં પણ ગરમીએ માઝા મૂકી છે, જ્યાં 44.8 ડિગ્રી તાપમાન સાથે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ બીજી વખત નોંધાયો છે. પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ પારો 44 ડિગ્રીની આસપાસ રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.


 આ ભીષણ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં રાહત અને આફત બંનેની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે 29 અને 30 એપ્રિલ આસપાસ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે મે મહિનાની શરૂઆતમાં જ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે લોકલ સિસ્ટમને કારણે મે માસના પ્રારંભમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવા વરસાદી ઝાપટાં કે છાંટા પડવાની પણ પ્રબળ શક્યતા છે.


 હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના આંતરિક ભાગોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. ખાસ કરીને સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં ‘હીટવેવ’ની સ્થિતિ પ્રવર્તશે તેવી ગંભીર ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ અસહ્ય અકળામણ અને બફારાનો સામનો કરવો પડશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થવાની આશા છે, પરંતુ ત્યાં સુધી બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement