Advertisement

ગુજરાત બનશે સ્પોર્ટ્સ હબ! કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે કવાયત તેજ, સ્પેશિયલ ટીમનું વડોદરામાં નિરીક્ષણ

ગુજરાત બનશે સ્પોર્ટ્સ હબ! કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે કવાયત તેજ, સ્પેશિયલ ટીમનું વડોદરામાં નિરીક્ષણ

ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ ૨૦૩૦માં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ (CWG-2030) ના આયોજન માટે રાજ્ય સરકારે અત્યારથી જ કમર કસી છે અને પૂર્વતૈયારીઓએ ભારે વેગ પકડ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના ભવ્ય રમતોત્સવના આયોજન માટે રાજ્યની ક્ષમતા, નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમનું પ્રથમ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યું છે. આ મુલાકાતને પગલે રમતગમત ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે.


 પ્રાપ્ત વિગતો અનુસાર, કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની આ ઉચ્ચસ્તરીય ટીમ અને ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશન (IOA) ના પદાધિકારીઓ ૮ એપ્રિલથી ૧૧ એપ્રિલ દરમિયાન ગુજરાતના મહેમાન બન્યા છે. આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન ડેલીગેશન રાજ્યના વિવિધ અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરશે.


આ ટીમ અમદાવાદ ખાતે આવેલા વીર સાવરકર કોમ્પ્લેક્સ, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને એકા (EKA) એરેનાની મુલાકાત લેશે. આ ઉપરાંત ગાંધીનગરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડોદરાનું ક્રિકેટ સ્ટેડિયમ અને અન્ય રમતગમતના સ્થળો તેમજ એકતા નગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારોમાં તૈયારીઓ અને સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.


 ડેલીગેશનની આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. તેમણે કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશનને સ્પષ્ટ ખાતરી આપી છે કે ગુજરાત સરકાર વર્ષ ૨૦૩૦ ની ગેમ્સના સફળ અને ઐતિહાસિક સંચાલન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આગામી સમયમાં રમતગમતના આ મહાકુંભ માટે વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ સ્થળોએ જરૂરી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સરકાર દ્વારા ઝડપથી પૂરી પાડવામાં આવશે.

Advertisement