Advertisement

ગુજરાત ભાજપની કસોટી: દિલ્હીના નેતાઓ વ્યસ્ત, હવે સ્થાનિક નેતાઓએ જ ગજવવો પડશે ગઢ!

ગુજરાત ભાજપની કસોટી: દિલ્હીના નેતાઓ વ્યસ્ત, હવે સ્થાનિક નેતાઓએ જ ગજવવો પડશે ગઢ!

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે કમર કસી લીધી છે, પરંતુ આ વખતે પ્રચારની કમાન સંપૂર્ણપણે પ્રદેશ નેતૃત્વના હાથમાં સોંપવામાં આવી છે. કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને ટોચના સ્ટાર પ્રચારકો વ્યસ્ત હોવાથી ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનો પ્રચાર જોવા મળશે નહીં. આ સ્થિતિમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માત્ર મતદાન માટે અમદાવાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે, જ્યારે પ્રચારની બાકીની જવાબદારી સ્થાનિક નેતાઓ જ સંભાળશે.


વિધાનસભાની સેમિફાઇનલ ગણાતી આ ચૂંટણી જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. આથી જ પાર્ટીએ રાજ્યના કોઈ પણ મંત્રી, પ્રદેશ નેતા કે સક્રિય કાર્યકરને અન્ય પાંચ રાજ્યોમાં પ્રચાર માટે મોકલવાને બદલે ગુજરાતમાં જ રોકી રાખ્યા છે. હાલમાં તમામ નેતાઓ અને કાર્યકરોને 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપે ધારાસભ્યો અને સાંસદોને પાયાના સ્તરે જવાબદારી સોંપી છે. ગત ચૂંટણી કરતાં પણ વધુ સારું પરિણામ મેળવવા માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા અત્યારથી જ વ્યૂહાત્મક આયોજન કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓ જ જનસભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Advertisement