ગુજરાત ATSનું દરિયાઈ ઓપરેશન: 526 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

ગુજરાત ATSનું દરિયાઈ ઓપરેશન: 526 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશન દરમિયાન 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ATS મુજબ, ઝડપાયેલા પાંચેય શખસો પાકિસ્તાનના પેશાવરના હોવાનું સામે આવ્યું છે.

ATSને મળેલી બાતમીના આધારે દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થવાની માહિતી મળી હતી. આ જથ્થો લક્ષદ્વીપ નજીકથી મુંબઈ તરફ લઈ જવાની તૈયારીમાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ATSના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.3 હજાર કરોડ જેટલી છે.

તપાસ દરમિયાન અમદાવાદમાં એક નાઈજીરિયન વ્યક્તિ દ્વારા ડ્રગ્સની લેવડદેવડ અંગે મિટિંગ કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર નેટવર્કમાં મધ્યસ્થી મારફતે ડ્રગ્સની ડિલિવરી માટે સોદો કરવામાં આવ્યો હતો અને એડવાન્સ પેમેન્ટ હવાલા મારફતે મોકલાયું હોવાની શંકા છે.

માહિતી મુજબ, ડ્રગ્સનો જથ્થો ‘આઝાદ’ નામની ઈરાની બોટ મારફતે ભારત લાવવાનો પ્લાન હતો. ત્યારબાદ ભારતીય જળસીમામાં લક્ષદ્વીપ, મુંબઈ અને કોચીન નજીક તમિલનાડુની બોટમાં જથ્થો ટ્રાન્સફર કરવાનો પ્રયાસ થવાનો હતો. મોટી માત્રામાં રહેલા ડ્રગ્સને તમિલનાડુના દરિયાકાંઠે ઉતારી નાના જથ્થામાં પંજાબ સુધી પહોંચાડવાની યોજના હોવાનો પણ ATSનો દાવો છે.

આ સમગ્ર નેટવર્કમાં એક વોન્ટેડ આરોપી અને ‘હાજી સલીમ’ નામના ડ્રગ્સ સ્મગ્લરની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. બોટની હિલચાલ અને સંપર્ક માટે Starlink ડિવાઇસનો ઉપયોગ થવાનો હતો તેવી માહિતીના આધારે ATSએ દરિયાઈ ઓપરેશન હાથ ધર્યું હતું.

હાલ ડ્રગ્સની અંતિમ ડિલિવરી કોને કરવાની હતી અને પંજાબમાં રહેલા નાઈજીરિયન વ્યક્તિની ભૂમિકા શું હતી તે અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે ગુજરાત ATSમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કેસની આગળની તપાસ પણ ગુજરાત ATS દ્વારા જ કરવામાં આવી રહી છે.