GSRTCમાં 8917 જગ્યાઓ પર મેગા ભરતી: 5 વર્ષ સુધી ₹26,000 ફિક્સ પગાર, 6 જૂનથી અરજી શરૂ

GSRTCમાં 8917 જગ્યાઓ પર મેગા ભરતી: 5 વર્ષ સુધી ₹26,000 ફિક્સ પગાર, 6 જૂનથી અરજી શરૂ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના બેરોજગાર યુવક-યુવતીઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવર સહિત કુલ 8917 જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી અંતર્ગત 4318 કંડકટર અને 4599 ડ્રાઇવરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


કંડકટર પદ માટે ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જરૂરી છે. ઉમેદવારની વય 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. ઉપરાંત ઉમેદવાર પાસે આરટીઓ માન્ય કંડકટર લાયસન્સ અને બેઝ હોવો ફરજિયાત છે. ઉમેદવારની દ્રષ્ટિ પણ સંપૂર્ણ સ્વચ્છ હોવી જરૂરી રહેશે.


ડ્રાઇવર પદ માટે પણ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ નક્કી કરવામાં આવી છે. આ પદ માટે ઉમેદવારની વય 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે. પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેમી (એસટી વર્ગ માટે 160 સેમી) અને મહિલા ઉમેદવારો માટે 158 સેમી નક્કી કરવામાં આવી છે. ડ્રાઇવરના ઉમેદવારો કલર બ્લાઇન્ડનેસથી પીડિત ન હોવા જોઈએ.


ડ્રાઇવર ભરતી માટે લાયસન્સ અને અનુભવ સંબંધિત નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. પુરુષ ઉમેદવારો પાસે ઓછામાં ઓછું ચાર વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ, બેઝ તેમજ ટ્રાન્સપોર્ટ અથવા કંપનીમાં ડીઝલ વાહન ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ અને બેઝ હોવો પૂરતો રહેશે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન ધરાવતી મહિલાઓને નિગમ દ્વારા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરમાં બે મહિનાની વિશેષ તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ નિમણૂક કરવામાં આવશે.


GSRTCની આ મેગા ભરતી રાજ્યના હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની છે. ઉમેદવારોને સમયમર્યાદા પહેલાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.