ગરમીથી ત્રાહિમામ ગુજરાત, હવે વરસાદની રાહ! ☀️➡️🌧️

ગરમીથી ત્રાહિમામ ગુજરાત, હવે વરસાદની રાહ! ☀️➡️🌧️

ગુજરાતમાં ચોમાસાની વચ્ચે ફરી એકવાર ગરમીનો અહેસાસ લોકોને પરેશાન કરી રહ્યો છે. 4 સપ્ટેમ્બરે સતત બીજા દિવસે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે 35.6 ડિગ્રી સાથે કંડલા બીજા ક્રમે રહ્યું.

એક તરફ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે તો બીજી તરફ વરસાદની રાહ જોતા ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોમાં પાક સૂકાવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

જોકે હવામાન વિભાગ તરફથી હવે વરસાદને લઈને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર સક્રિય થયેલા વેલ માર્ક્ડ લો પ્રેશર અને અરબી સમુદ્ર તરફથી પસાર થતી ટ્રફના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 8થી 9 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.

આગામી 7 દિવસ દરમિયાન સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાં વરસાદી ઝાપટાંની સંભાવના છે.

રાજ્યમાં ચાલુ સીઝનમાં સરેરાશ 16 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 37 ટકા વરસાદની અછત, જ્યારે અમદાવાદમાં 4 ટકા ઘટ નોંધાઈ છે.

અમદાવાદમાં પણ આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

મહત્વની વાત એ છે કે, હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈપણ જિલ્લા માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

તો ગુજરાતમાં હાલ સ્થિતિ એવી છે કે, ક્યાંક ગરમીનો માર, ક્યાંક વરસાદની રાહ... અને હવે સૌની નજર આગામી દિવસોમાં થનારી મેઘમહેર પર ટકેલી છે. 🌦️🌧️