ગાંધીનગર: છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. વાહનોથી ધમધમતા માર્ગો પર બપોરે 'જનતા કરફ્યુ' જેવો સૂનસાન માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
એક તરફ રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનો રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કુદરતી ગરમીએ જનતાને બેહાલ કરી દીધી છે. લોકો ગરમીથી બચવા માટે શેરડીના રસ, નાળિયેર પાણી અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. હિટસ્ટ્રોકના વધતા કેસોને જોતા રાજ્ય આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ખાસ 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ' ઊભા કર્યા છે. સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 5 બેડ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડ હિટસ્ટ્રોકના દર્દીઓ માટે અનામત રખાયા છે. તમામ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં ORS, દવાઓ અને આઈસ-પેકનો સ્ટોક રાખવા આદેશ અપાયા છે અને NCDCની ગાઈડલાઈન મુજબ દૈનિક ધોરણે કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ખાસ કરીને અમરેલી અને અમદાવાદ 40.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો નોંધાયા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી અને રાજકોટમાં 40.4 ડિગ્રી તાપમાનને કારણે લોકો ગરમીમાં શેકાયા હતા. મધ્ય ગુજરાતના વડોદરામાં પણ પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 40.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અન્ય શહેરોની વાત કરીએ તો, ભાવનગરમાં 38.0 ડિગ્રી અને ડીસામાં 37.1 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો.
આરોગ્ય વિભાગે વિશેષ એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું છે કે બપોરે 1 થી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો વધુ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવું પ્રવાહી લેવું હિતાવહ છે. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવું જોઈએ. વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવા સૂચન કરાયું છે. જો ચક્કર આવવા, સતત માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.