ગરમી વચ્ચે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ

ગરમી વચ્ચે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગ અનુસાર 5 અને 6 જૂને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 5 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 6 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે એલર્ટ અપાયું છે.


અમદાવાદમાં હાલમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.


જોકે, કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અમદાવાદમાં આગામી 10 દિવસ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે અને મુખ્યત્વે પવનની અસર વધુ જોવા મળશે. બીજી તરફ ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને આણંદ સહિતના શહેરોમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને ભારે પવન અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી છે.