Advertisement

ગણદેવી નગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી સરકી, ભાજપનો બિનહરીફ કબ્જો લગભગ નિશ્ચિત

ગણદેવી નગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી સરકી, ભાજપનો બિનહરીફ કબ્જો લગભગ નિશ્ચિત

નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય રીતે મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તરફથી જરૂરી પાર્ટી મેન્ડેટ રજૂ ન થતાં તેમના તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયા છે. સાથે જ એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પણ રદ થતા ભાજપે કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ પરિસ્થિતિએ કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો સર્જ્યો છે અને ગણદેવી નગરપાલિકા તેના હાથમાંથી સરકી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


હાલમાં માત્ર ત્રણ બેઠકો પર જ ચૂંટણીનું દ્રશ્ય બાકી છે, જ્યાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે. વોર્ડ નંબર 1માં ભાજપના રાજેશભાઈ પટેલ સામે અપક્ષ જયેશભાઈ ઢીમ્મર, વોર્ડ નંબર 4માં નિલેશકુમાર શર્મા સામે પણ જયેશભાઈ ઢીમ્મર અને વોર્ડ નંબર 6માં કેયુરભાઈ વશી સામે અપક્ષ અશોકભાઈ ઢીમ્મર મેદાનમાં છે. જોકે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે આ ત્રણ બેઠકો પણ બિનહરીફ બને તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, જેના કારણે ભાજપ સંપૂર્ણ નગરપાલિકા કબજે કરવાની તૈયારીમાં છે.


ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપે કુલ 49, કોંગ્રેસે 20 અને અપક્ષોએ મળીને 69 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ રજૂ કરવામાં થયેલી બેદરકારીને કારણે તમામ ફોર્મ રદ થઈ ગયા, જેના પરિણામે ભાજપને સીધો ફાયદો થયો છે. આ ઘટનાએ કોંગ્રેસના સંગઠન અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


કોંગ્રેસની અંદરથી જ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સામે આક્ષેપો ઉઠી રહ્યા છે કે મેન્ડેટ સમયસર કેમ રજૂ કરવામાં આવ્યું નહીં? શું આ પાછળ કોઈ રાજકીય ગોઠવણ હતી? આવા પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે. સમગ્ર મામલાએ મતદારોમાં પણ શંકા ઊભી કરી છે, જ્યારે ભાજપ સામે ફરી એકવાર “સામ, દામ, દંડ, ભેદ” જેવી રાજકીય નીતિઓ અપનાવવાના આરોપો ચર્ચામાં આવ્યા છે.

Advertisement