જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો માહોલ ભક્તિમય બની ગયો છે. દર વર્ષે દેવઉઠી અગિયારસથી શરૂ થતી 36 કિલોમીટરની આ પદયાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ 20 નવેમ્બરની મોડી રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થવાનો હતો, પરંતુ યાત્રાળુઓની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ઈટવા ગેટ નિર્ધારિત સમય કરતાં વહેલો ખોલવાનો નિર્ણય લીધો હતો.
બે લાખથી વધુ શ્રદ્ધાળુઓની હાજરી, વહેલી સવારે ખોલાયો ગેટ
પરિક્રમાના પ્રારંભ પહેલાં જ ભવનાથથી ઈટવા ગેટ સુધીના વિસ્તારમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. યાત્રાળુઓની સંખ્યા સતત વધતી જતાં ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તંત્રએ વહેલી સવારે 6 વાગ્યે ઈટવા ગેટ ખોલી પરિક્રમાર્થીઓને જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું.
જૂનાગઢના મામલતદાર એ. કે. બારૈયાના જણાવ્યા અનુસાર, ભવનાથ પરિસરથી ઈટવા ગેટ સુધીના વિસ્તારમાં અંદાજે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હોવાનો અંદાજ છે. હજુ પણ યાત્રાળુઓની આવક ચાલુ છે.
'જય ગિરનારી'ના નાદ સાથે ભક્તોએ શરૂ કરી પદયાત્રા
ઈટવા ગેટ ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'જય ગિરનારી' અને ધાર્મિક નાદ સાથે ભાવિકોએ ગિરનારના જંગલ વિસ્તારમાં પરિક્રમાના પ્રથમ ચરણ તરફ પ્રયાણ કર્યું હતું. વહેલી શરૂઆત થતાં યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રહેવાની વ્યવસ્થા ન મળતાં યાત્રાળુઓ મુશ્કેલીમાં
પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતાં ભવનાથ વિસ્તારની હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ હતી. જેના કારણે અનેક યાત્રાળુઓને રહેવા અને રાત્રિ રોકાણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા, જામનગર અને થાનગઢથી આવેલા યાત્રાળુઓએ પણ રહેવાની વ્યવસ્થાના અભાવે પડતી મુશ્કેલીઓ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. કલાકોથી રાહ જોઈ રહેલા વડીલો અને અન્ય શ્રદ્ધાળુઓએ તંત્રને વહેલો ગેટ ખોલવાની અપીલ કરી હતી. જંગલમાં તબક્કાવાર પ્રવેશ આપવામાં આવે તો ભીડનું નિયંત્રણ સરળ બને તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
વન વિભાગનું પ્લાસ્ટિક ચેકિંગ, સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
પરિક્રમા દરમિયાન ગિરનારના જંગલ અને કુદરતી સંપદાને નુકસાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવેશ માર્ગ પર પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ બંદોબસ્ત, વન વિભાગની ટીમો અને મેડિકલ સુવિધાઓ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડોદરાથી આવેલા શ્રદ્ધાળુએ વ્યક્ત કર્યો આનંદ
વડોદરાથી પરિક્રમા કરવા આવેલા મેઘનાએ જણાવ્યું હતું કે, પરિક્રમા મૂળ નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂ થઈ છે. જોકે, ભીડને કારણે ગેટ વહેલો ખોલવામાં આવતાં યાત્રાળુઓમાં ખુશી જોવા મળી રહી છે. દરેકના મનમાં ગિરનાર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને ભક્તો 'જય ગિરનારી'ના નાદ સાથે આગળ વધી રહ્યા છે.
ગિરનારની આ ઐતિહાસિક લીલી પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ આસ્થા, પ્રકૃતિ અને પરંપરાનો અનોખો સંગમ છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે હવે તંત્ર સામે ભીડનું સંચાલન અને પરિક્રમાને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવાનો પડકાર રહેશે.