ઘરમાં ઘૂસી ગયો ઝેરી કોબ્રા, પરિવારજનોમાં ફફડાટ!

ઘરમાં ઘૂસી ગયો ઝેરી કોબ્રા, પરિવારજનોમાં ફફડાટ!

આણંદના આંકલાવ તાલુકાના કહાનવાડી એટલે કે ગણપતપુરા ગામમાં એક ઘરમાં અચાનક ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા સાપ દેખાતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દિનેશભાઈ ડાહ્યાભાઈ પરમારના ઘરમાં સાપ જોવા મળતા પરિવારજનોએ તાત્કાલિક દયા ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ દયા ફાઉન્ડેશનના અજયસિંહ રાવજીભાઈ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જરૂરી સાવચેતી સાથે ઘરમાં તપાસ હાથ ધરી અને આખરે છુપાયેલો કોબ્રા શોધી કાઢ્યો. સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા આ સાપને કોઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. ત્યારબાદ દયા ફાઉન્ડેશનની ટીમે તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. સાપના સફળ રેસ્ક્યુ બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દયા ફાઉન્ડેશને લોકોને અપીલ કરી છે કે, રહેણાંક વિસ્તારમાં સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે તાત્કાલિક સ્નેક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો, જેથી સાપ અને લોકો બંને સુરક્ષિત રહી શકે.