Gen-Z માટે બદલાઈ રહી છે યુનિવર્સિટીઓ! 🎓🔥 ફ્રી Wi-Fi, ઇન્ટર્નશિપ અને ફ્રીમાં ભણવાની તક! 😲

Gen-Z માટે બદલાઈ રહી છે યુનિવર્સિટીઓ! 🎓🔥 ફ્રી Wi-Fi, ઇન્ટર્નશિપ અને ફ્રીમાં ભણવાની તક! 😲

Gen-Zને સમજવા હવે યુનિવર્સિટીઓ પણ બદલાઈ રહી છે! મોબાઇલ, ઇન્ટરનેટ અને AIના યુગમાં ઉછરેલી આ નવી પેઢીની જરૂરિયાતો અને અપેક્ષાઓ પરંપરાગત શિક્ષણથી ઘણી આગળ વધી ચૂકી છે. અને હવે ગુજરાતની યુનિવર્સિટીઓ પણ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહીં, પરંતુ સુવિધા, અનુભવ અને આર્થિક સહાય આપવા માટે નવી પહેલ કરી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીએ સમગ્ર કેમ્પસમાં વિદ્યાર્થીઓને ફ્રી હાઈસ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાની તક પણ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ પ્રોફેસરના આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકશે, રિસર્ચ પ્રોજેક્ટમાં જોડાઈ શકશે અને અભ્યાસની સાથે વાસ્તવિક કામનો અનુભવ પણ મેળવી શકશે. ખાસ વાત એ છે કે, આ કામ બદલ વિદ્યાર્થીઓને માત્ર અનુભવ જ નહીં, પરંતુ સર્ટિફિકેટ, ક્રેડિટ અને મહેનતાણું પણ મળી શકે છે.

બીજી તરફ, ગૂજરાત વિદ્યાપીઠે પણ વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી સ્કોલરશિપ યોજના અમલમાં મૂકી છે. દર વર્ષે 100 જેટલા વિદ્યાર્થીઓને એવી સ્કોલરશિપ આપવામાં આવે છે, જેના દ્વારા તેમની ટ્યુશન ફી અને પ્રાયોગિક ફી પરત આપવામાં આવે છે. એટલે કે, પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટે આખો કોર્સ લગભગ ફ્રીમાં ભણવાની તક ઊભી થાય છે.

અહીં ખાસ વાત એ છે કે સ્કોલરશિપ માટે માત્ર માર્ક્સ જ માપદંડ નથી. વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન કેમ્પસની પ્રવૃત્તિઓમાં કેટલો સક્રિય રહ્યો, તેણે શું કામગીરી કરી અને અન્ય ક્ષેત્રોમાં તેની ભાગીદારી કેટલી રહી, તેને પણ મહત્વ આપવામાં આવે છે.

આ માટે પહેલા તબક્કામાં 7.0 CGPA ધરાવતા વિદ્યાર્થીઓને પસંદગી માટે લાયક ગણવામાં આવે છે. ત્યારબાદ અન્ય કોઈ સ્કોલરશિપનો લાભ ન મળતો હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓ પાસેથી તેમના વર્ષ દરમિયાનના કામ અને પ્રવૃત્તિઓ અંગે પ્રેઝન્ટેશન પણ લેવામાં આવે છે.

વિદ્યાપીઠના જણાવ્યા મુજબ, આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું સીમિત ન રાખીને ઇન્ડસ્ટ્રી માટે વધુ તૈયાર અને વ્યવહારુ જ્ઞાનથી સજ્જ બનાવવાનો છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ પ્રત્યે પણ રસ વધે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો, Gen-Z હવે માત્ર ડિગ્રી લેવા માટે કેમ્પસમાં નથી આવતી... તે અનુભવ, ટેક્નોલોજી, તક અને પોતાના હકની પણ અપેક્ષા રાખે છે. અને કદાચ એટલે જ હવે શિક્ષણ સંસ્થાઓને પણ સમય સાથે બદલાવવું પડી રહ્યું છે!