વલ્લભ વિદ્યાનગર સ્થિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (GCET) ખાતે Odoo India Private Limited સાથે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સહયોગ થી “Odoo x GCET Hackathon ’26” નામનો રાષ્ટ્રીય સ્તરનો ૨૪ કલાકનો હેકાથોન ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.
આ હેકાથોન નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, નવીન ટેકનોલોજી તથા ઉધ્યોગ આધારિત વાસ્તવિક સમસ્યાઓ પર કાર્ય કરવાની તક પૂરી પાડવાનો હતો. આ ઇવેન્ટને દેશભરમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
હેકાથોનના વર્ચ્યુઅલ રાઉન્ડ માટે કુલ ૭૫૦થી વધુ ટીમો અને અંદાજે ૧૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. પ્રાથમિક મૂલ્યાંકન બાદ ૯૦ ટીમોને ઓફલાઇન ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી, જેમાં કુલ ૩૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કુલ ૫૦ કોલેજોમાંથી આવ્યા હતા, જેમાંથી ૧૫ કોલેજો ગુજરાત બહારની હતી, જે હેકાથોનની રાષ્ટ્રીય સ્તરની વ્યાપકતા દર્શાવે છે.
હેકાથોન નું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન વર્ચ્યુઅલ રાઉન્ડ યોજાયો હતો. અંતિમ તબક્કો GCET કેમ્પસ ખાતે ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ૨૪ કલાક સતત યોજાયો હતો.
ફાઇનલ રાઉન્ડ દરમ્યાન ભાગ લેનાર ટીમ ને તત્કાળ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા અને તેમણે આધુનિક ટેકનોલોજી, API, ડેટાબેઝ તથા યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ નો ઉપયોગ કરીને કાર્યક્ષમ અને નવીન સોલ્યુશન્સ વિકસાવ્યા હતા. વિકસાવાયેલા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન ઉદ્યોગ ક્ષેત્રના ૧૬ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના વિજેતાને રૂ. ૪૫,૦૦૦, પ્રથમ રનર-અપને રૂ. ૩૫,૦૦૦ અને દ્વિતીય રનર-અપને રૂ. ૨૫,૦૦૦ રોકડ ઇનામ સાથે Odoo ગુડીઝ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ, વિશેષ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને Odoo તરફથી ઉચ્ચ પગાર પેકેજ સાથે રોજગારની તક આપવામાં આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
Odoo x GCET Hackathon ’26 દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધુ મજબૂત બન્યો છે તથા વિદ્યાર્થીઓને નવીનતા, ટીમવર્ક અને વ્યાવસાયિક વિકાસ માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. આ હેકાથોન GCET માટે ગૌરવપૂર્ણ શૈક્ષણિક અને ટેક્નિકલ સિદ્ધિ તરીકે નોંધપાત્ર રહ્યો છે.
આ પ્રસંગે CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને Odoo India Private Limited, ગાંધીનગરના કોર્પોરેટ ઇવેન્ટ મેનેજર અને હેકેથોન હેડ શાર્દૂલ દવે વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અને તેમણે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર હેકાથોન નું સંચાલન GCETના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ફેકલ્ટી સભ્ય ડૉ. નીરવ રાજા, હેતલ ગૌદાણી અને બ્રિજેશ પટેલ દ્વારા, વિભાગના વડા ડૉ. સુધીર વેગડ તથા પ્રિન્સિપાલ ડૉ. કૌશિક નાથ ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું