ગાંધીનગર: ગાંધીનગરમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)માં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી સચિવાલય તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
કેનાલમાં ઝંપલાવતા પહેલા પરિવારને કર્યો હતો ફોન
મળતી માહિતી મુજબ મૃતક યુવતીઓની ઓળખ સેજલબેન જશવંતભાઈ પટેલ (ઉંમર 26) અને રિપલબેન રાકેશભાઈ રાવળ (ઉંમર 24) તરીકે થઈ છે. બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ પોતાના પરિવારજનોને ફોન કરીને આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક મળેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઝુંડાલ કેનાલમાંથી મળી આવ્યા મૃતદેહ
બનાવની જાણ થતાં જ અડાલજ પોલીસ તથા ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાત્રિના અંધકારમાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બંને યુવતીઓ તણાઈ ગઈ હતી. કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલ પાસે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ
માહિતી મુજબ બંને યુવતીઓ GMCમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જોકે, તેમણે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
કામનું ભારણ કે અંગત સમસ્યા? પોલીસ તપાસ શરૂ
પોલીસ હાલ યુવતીઓના આપઘાત પાછળના કારણો અંગે તપાસ કરી રહી છે. જેમાં નોકરીનું ભારણ, પારિવારિક સમસ્યાઓ કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. અડાલજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બે આશાસ્પદ યુવતીઓના એકસાથે મોતના સમાચારથી તેમના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.