વિશ્વ હવે કચરાને સમસ્યા નહીં, સંસાધન તરીકે જોવાની દિશામાં આગળ વધી રહ્યું છે... અને આ વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બનશે ગુજરાત!
ગાંધીનગરમાં આગામી 15 અને 16 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
ખાસ વાત એ છે કે સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર આ પ્રકારનું વૈશ્વિક ફોરમ યોજાઈ રહ્યું છે.
ફોરમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિક્કો કિવિકોસ્કી, SITRAના પ્રમુખ એટે જાસ્કેલાઈનન સહિત ભારત અને વિદેશના અનેક મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.
આ ફોરમમાં વાત માત્ર પર્યાવરણની નહીં, પરંતુ કચરામાંથી સંસાધન, રિસાયક્લિંગ, સર્ક્યુલર ફાઇનાન્સ અને નવીન ટેક્નોલોજીને આગળ વધારવાની થશે.
અને આ આયોજન કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 65થી વધુ દેશોના 2 હજારથી વધુ હિસ્સેદારો તેમાં ભાગ લેશે.
સાથે જ 125થી વધુ પ્રદર્શનકર્તાઓ આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં સર્ક્યુલર ઇકોનોમી સાથે જોડાયેલા નવા સોલ્યુશન્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.
એટલે કે ગાંધીનગરમાં યોજાનાર આ ફોરમ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ ‘કચરામાંથી સંસાધન અને વિકાસ સાથે પર્યાવરણ’ તરફ ભારતની નવી દિશાનો વૈશ્વિક મંચ બનશે.