ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા, પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા અને ચૂંટણી આચારસંહિતાના કથિત ભંગના મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકો સામે સરકારી ફરજમાં રુકાવટ, ધાકધમકી તથા સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ વીડિયો પ્રસારિત કરવાના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પેથાપુર પોલીસ સ્ટેશનમાં શું બન્યું?
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર મનપા ચૂંટણીના પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના આધારે પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પેથાપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ટોળાએ પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં હોબાળો મચાવી પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર અને વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી અને અન્ય સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આક્ષેપ છે કે આ પ્રવૃત્તિથી ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાનો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનું મોબાઇલથી રેકોર્ડિંગ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કરવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી, મુલચંદભાઈ સહિત અન્ય અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
સેક્ટર-13 પોલીસ ચોકીમાં પણ હોબાળો થયાનો આક્ષેપ
આ વિવાદનો બીજો મુદ્દો કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક મુનાફ હબીબભાઈ પઠાણ સાથે જોડાયેલો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મુનાફ પઠાણે અન્ય ઉમેદવારના પ્રચારક નિલેષ વિષ્ણુ પંચાલને તેમના વિસ્તારમાં પ્રચાર નહીં કરવા અને તેમ કરતાં ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
આ અંગે નિલેષ પંચાલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી મુનાફ પઠાણને પૂછપરછ માટે સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, મોડી રાત્રે જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અન્ય સમર્થકોનું ટોળું પોલીસ ચોકીમાં પહોંચ્યું હતું. ત્યાં પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી કરી સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ છે. પૂછપરછ ચાલુ હોવા છતાં મુનાફ પઠાણને બળજબરીથી પોલીસ ચોકીની બહાર લઈ જવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પ્રચાર કરવાનો આક્ષેપ
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીનો જાહેર પ્રચાર પૂર્ણ થયા બાદ પણ જિગ્નેશ મેવાણીએ પેથાપુર કસ્બા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ચૂંટણીના નિયમો અનુસાર બહારના વિસ્તારના રાજકીય કાર્યકરો અને અન્ય વ્યક્તિઓએ નિર્ધારિત સમય બાદ મતદાન વિસ્તાર છોડી દેવાનો હોય છે.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ તેમને પ્રચાર કરતા અટકાવ્યા હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ જિગ્નેશ મેવાણી પેથાપુરના સંજરી પાર્ક ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયની સામે ગયા હતા અને ત્યાં વીડિયો રેકોર્ડ કરાવ્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસ અંગેના નિવેદનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ
ફરિયાદ મુજબ, આ વીડિયોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે હોદ્દાના આધારે વિખવાદ, ધિક્કાર અથવા દ્વેષ ફેલાઈ શકે તેવા કથનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને વીડિયો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.
આ સમગ્ર મામલે પેથાપુર પોલીસ સ્ટેશન ઉપરાંત સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના થોડા દિવસો પહેલાં બનેલી આ ઘટનાઓથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પોલીસની કામગીરીમાં અવરોધ અને આચારસંહિતાના કથિત ભંગના આક્ષેપો છે, તો બીજી તરફ સમગ્ર મામલો હવે પોલીસ તપાસ હેઠળ છે.