ઠાસરા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ ખાતે ધૂળેટીના પર્વે આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગળતી અને મહીસાગર નદીના સંગમ સ્થાને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો હતો, જેમાં રાત સુધીમાં અંદાજે 4 થી 5 લાખ લોકોએ પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. માત્ર ખેડા જિલ્લો જ નહીં, પણ વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને પંચમહાલ સહિત છેક મોડાસા સુધીના શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા.
પોલીસની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ખેડા પોલીસ દ્વારા નદીના પટમાં જ ખાસ તંબુ બાંધી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. ઊંડા પાણીમાં કોઈ ડૂબે નહીં તે માટે દોરડા બાંધી સુરક્ષિત વિસ્તાર નક્કી કરાયો હતો. આ સાથે જ નદીમાં બોટ, રબર ટ્યુબ અને તરવૈયાઓની ટીમ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી.
ટ્રાફિકથી થંભી ગયા વાહનોના પૈડાં ભારે ભીડને કારણે ઠાસરા-સેવાલીયા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને અંબાવ રેલવે ફાટક પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સેવાલીયા પોલીસે રસ્તાની વચ્ચે દોરડા બાંધી વાહનોનું નિયંત્રણ કર્યું હતું. સતત પેટ્રોલિંગને કારણે આટલી મોટી મેદની હોવા છતાં કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.