ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભાજપ માટે અણધાર્યો રાજકીય ઝટકો લાગ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના પોતાના જ વિસ્તારમાં પક્ષના ત્રણ મહત્ત્વના હોદ્દેદારોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હોય ત્યારે બનેલી આ ઘટનાએ ભાજપની વ્યૂહરચનામાં ખલેલ પહોંચાડવાની શક્યતા ઊભી કરી છે.
માહિતી મુજબ, 26મી એપ્રિલે ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. એવામાં પૂર્વ તાલુકા પ્રમુખ જયંતી પરમાર, પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન હંસાબેન પરમાર અને જિલ્લા સદસ્ય દીપેન પટેલે જિલ્લા પ્રમુખને પોતાનાં રાજીનામા મોકલી આપતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે ટિકિટ વિતરણ સહિત કેટલીક બાબતોમાં ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવતા આ નેતાઓ લાંબા સમયથી અસંતોષ અનુભવી રહ્યા હતા.
આ મુદ્દે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે પ્રાથમિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે દીપેન પટેલ લાંબા સમયથી વિસ્તારમાં સક્રિય નથી અને પૂર્વ તાલુકા પ્રમુખે આંતરિક મતભેદોને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગળતેશ્વરનો તેમનો પ્રવાસ હજુ બાકી છે અને ત્યારબાદ સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ચૂંટણી પૂર્વે જ સર્જાયેલા આ રાજકીય ભૂકંપને ભાજપ કઈ રીતે સંભાળશે અને તેનો ચૂંટણી પરિણામો પર શું પ્રભાવ પડશે, તે હવે પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.