એવરેસ્ટ જીરા પાઉડરનો એક બેચ બજારમાંથી પાછો ખેંચાશે, બેકરીનું લાઇસન્સ પણ સસ્પેન્ડ

એવરેસ્ટ જીરા પાઉડરનો એક બેચ બજારમાંથી પાછો ખેંચાશે, બેકરીનું લાઇસન્સ પણ સસ્પેન્ડ

નવી દિલ્હી: ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ બે અલગ-અલગ કેસમાં મહત્વની કાર્યવાહી કરી છે. એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રી-પેક્ડ જીરા પાઉડરના એક બેચને બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

જીરા પાઉડરમાં જંતુનાશક અવશેષો મળ્યા

FSSAIની કાર્યવાહી મુજબ, એવરેસ્ટના પ્રી-પેક્ડ જીરા પાઉડરનું એક સેમ્પલ ગોવામાં આવેલી મેસર્સ રિવરસાઇડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાંથી લેવામાં આવ્યું હતું.

લેબોરેટરી તપાસમાં જીરા પાઉડરમાં એઝોક્સિસ્ટ્રોબિન (Azoxystrobin) અને થાયામેથોક્સમ (Thiamethoxam) નામના કીટનાશક અવશેષો નિર્ધારિત મહત્તમ અવશેષ મર્યાદા એટલે કે MRL કરતાં વધુ હોવાનું સામે આવ્યું હતું.

ફૂડ એનાલિસ્ટે સેમ્પલને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ ‘UNSAFE’ જાહેર કર્યું હતું. કંપનીને આ રિપોર્ટ સામે અપીલ કરવાની તક આપવામાં આવ્યા બાદ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાંની તપાસમાં પણ સેમ્પલ અસુરક્ષિત હોવાનું અને બંને કીટનાશક અવશેષો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું પુષ્ટિ થયું.

બેચ નંબર E080668761નો રિકોલ

તપાસના પરિણામો બાદ FSSAIએ બેચ નંબર E080668761 ધરાવતા પ્રી-પેક્ડ જીરા પાઉડરને બજારમાંથી તાત્કાલિક પાછું ખેંચવાનો આદેશ આપ્યો છે.

સાથે જ કંપનીને રિકોલ કરાયેલા ઉત્પાદનનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવા, નિર્ધારિત સમયમર્યાદામાં રિકોલનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

બેકરીમાં ગંદકી અને માખીઓ મળી

બીજા કેસમાં FSSAIની તપાસ દરમિયાન મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડના ફૂડ પ્રોડક્શન પરિસરમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.

તપાસ દરમિયાન ઉત્પાદન વિસ્તારમાં ગંદકી, ધૂળ, કરોળિયાના જાળા અને માખીઓ જોવા મળી હતી. પેરિશેબલ કાચો માલ પણ યોગ્ય રીતે સંગ્રહિત કરવાને બદલે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો.

કાચા અને અર્ધતૈયાર ખાદ્ય પદાર્થો માટે કાટ લાગેલા અને યોગ્ય રીતે સાફ ન કરાયેલા કન્ટેનરોનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

ફૂડ બનાવવાની જગ્યાએ જ કચરો અને ભંગાર

તપાસ દરમિયાન ફૂડ તૈયાર કરવામાં આવતું હતું તે જ વિસ્તારમાં કચરો, જૂનો સ્ટોક, રિજેક્ટેડ સામાન અને સ્ક્રેપ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું. આ ઉપરાંત કાટ લાગેલા સાધનો, ઉખડેલો રંગ, ભેજ અને તૂટેલી ફ્લોર ટાઇલ્સ જેવી ખામીઓ પણ નોંધાઈ હતી.

FSSAIને ફરજિયાત ફૂડ સેફ્ટી રેકોર્ડ્સની જાળવણીમાં પણ ખામીઓ મળી. પાણી અને તૈયાર ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ, સમય-તાપમાન મોનિટરિંગ, સાધનોના કેલિબ્રેશન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, મોક રિકોલ, ગ્રાહક ફરિયાદો, કર્મચારીઓની તાલીમ અને ઓડિટ સંબંધિત રેકોર્ડ્સ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા નહોતા.

તમામ ફૂડ બિઝનેસ પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ

આ ગંભીર ખામીઓને પગલે FSSAIએ બેકરીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. લાઇસન્સ સસ્પેન્ડ રહે ત્યાં સુધી કંપનીને તમામ પ્રકારની ફૂડ બિઝનેસ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

FSSAIની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ખાદ્ય પદાર્થોમાં સલામતીના ધોરણોનું પાલન ન કરનારા ઉત્પાદકો અને ફૂડ બિઝનેસ સામે નિયમનકારી સત્તાવાળાઓ કડક પગલાં લઈ શકે છે.