Advertisement

એર ઈન્ડિયામાં મોટો ભડકો: CEO કેમ્પબેલ વિલ્સનનું અચાનક રાજીનામું, ₹20,000 કરોડની ખોટ અને અકસ્માતના દબાણ વચ્ચે લીધો નિર્ણય

એર ઈન્ડિયામાં મોટો ભડકો: CEO કેમ્પબેલ વિલ્સનનું અચાનક રાજીનામું, ₹20,000 કરોડની ખોટ અને અકસ્માતના દબાણ વચ્ચે લીધો નિર્ણય

નવી દિલ્હી: ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં ફરી એકવાર મોટી વહીવટી ઉથલપાથલ સર્જાઈ છે. એરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ઉડ્ડયન જગતમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2022માં પાંચ વર્ષના કરાર સાથે જોડાયેલા વિલ્સનનો કાર્યકાળ જુલાઈ 2027માં પૂર્ણ થવાનો હતો, પરંતુ નિર્ધારિત સમયના એક વર્ષ પહેલા જ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. સતત વધી રહેલી આર્થિક ખોટ અને નિયામકીય તપાસના વધતા દબાણને આ રાજીનામા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.


 એર ઈન્ડિયા માટે છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ કપરી રહી છે. ખાસ કરીને ગયા વર્ષે અમદાવાદમાં થયેલા બોઈંગ વિમાન અકસ્માતમાં 260 લોકોના કમનસીબ મોત બાદ એરલાઈન પર નિયામકીય સંસ્થાઓની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ગંભીર દુર્ઘટના બાદ એરલાઈનની સેફ્ટી પ્રોટોકોલ અને મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા હતા, જેના કારણે સીઈઓ પર જવાબદારીનો બોજ વધ્યો હતો.


 આર્થિક મોરચે પણ એર ઈન્ડિયા અત્યંત નાજુક સ્થિતિમાં છે. અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2026માં એર ઈન્ડિયાની ખોટ ₹20,000 કરોડ સુધી પહોંચવાની આશંકા છે, જે અગાઉના ₹2,000 કરોડના અંદાજ કરતા 10 ગણી વધારે છે. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવામાં આવતા પશ્ચિમી દેશોના રૂટ પર માઠી અસર પડી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરને પાર કરી જવાથી અને અમેરિકા-ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિએ એરલાઈન માટે 'પરફેક્ટ સ્ટોર્મ' (ચોતરફથી આફત) જેવી સ્થિતિ સર્જી છે.


 નોંધનીય છે કે ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની કુલ સંયુક્ત ખોટ પણ ₹29,000 કરોડ થવાનો અંદાજ છે, જેમાં સૌથી મોટો હિસ્સો એર ઈન્ડિયાનો છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર મેનેજમેન્ટને જ આ માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી, કારણ કે ભૌગોલિક-રાજકીય (Geo-political) સ્થિતિ બાહ્ય પરિબળ છે. પરંતુ ખાનગીકરણના 4 વર્ષ બાદ પણ ગ્રાહક સેવા અને સુવિધાઓમાં અપેક્ષિત સુધારો ન થવો એ ટાટા ગ્રુપ માટે મોટો પડકાર છે. હવે એર ઈન્ડિયા માટે આ આર્થિક સંકટમાંથી બહાર આવવું અને ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો એ સૌથી મોટી પ્રાથમિકતા રહેશે.

Advertisement