Advertisement

એક જ દિવસે સોનું-ચાંદી સસ્તું, બજારમાં આવ્યો મોટો કડાકો

એક જ દિવસે સોનું-ચાંદી સસ્તું, બજારમાં આવ્યો મોટો કડાકો

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે અશાંતિના સમયમાં સોનું અને ચાંદી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, પરંતુ આ વખતે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીના ભાવમાં લગભગ 7,500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1,800 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.


મળતી માહિતી મુજબ શુક્રવારે ચાંદીનો ભાવ 2,68,285 રૂપિયા પ્રતિ કિલો હતો, જે સોમવારે ઘટીને 2,60,743 રૂપિયા પર આવી ગયો છે. આમ એક જ દિવસે ચાંદીમાં 7,542 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સોનાનો ભાવ પણ 1,61,634 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 1,59,826 રૂપિયા સુધી પહોંચ્યો છે.


વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ શરૂઆતમાં વૈશ્વિક તણાવને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે રોકાણકારો નફો વસૂલ કરવા માટે ‘પ્રોફિટ બુકિંગ’ કરી રહ્યા છે. ઘણા રોકાણકારો હાલ સોનું-ચાંદીમાં રોકાણ વધારવા કરતાં રોકડ રકમ રાખવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાથી બજારમાં કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement