Advertisement

દ્વારકાના દરિયાકાંઠે ફરી નશાનો કાળો કારોબાર: રૂપેણ બંદર પાસેથી ₹61 લાખથી વધુનું ચરસ ઝડપાયું, એજન્સીઓ એલર્ટ

દ્વારકાના દરિયાકાંઠે ફરી નશાનો કાળો કારોબાર: રૂપેણ બંદર પાસેથી ₹61 લાખથી વધુનું ચરસ ઝડપાયું, એજન્સીઓ એલર્ટ

દ્વારકા: ગુજરાતનો લાંબો દરિયાકાંઠો ફરી એકવાર નશાના સોદાગરોની રાડારમાં આવ્યો હોય તેમ દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી કરોડો રૂપિયાનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે. દરિયાકાંઠેથી નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહેતા તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે અને દરિયાકાંઠા પર વોચ વધારી દેવામાં આવી છે.


 મળતી વિગતો અનુસાર, SOG પોલીસની ટીમ જ્યારે રૂપેણ બંદર વિસ્તારમાં રૂટીન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગમાં હતી, ત્યારે દરિયાકાંઠાની ઝાડીઓ અને પથ્થરો વચ્ચેથી એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. પોલીસે જ્યારે આ પેકેટ ખોલીને તપાસ કરી તો ચોંકી ઉઠી હતી. આ પેકેટમાંથી કુલ ૧૨૩૦ ગ્રામ (૧ કિલો અને ૨૩૦ ગ્રામ) ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ મળી આવ્યું હતું.


 આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ચરસની કિંમત આશરે ૬૧ લાખ ૫૦ હજાર રૂપિયા આંકવામાં આવી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, દરિયામાં અને કોસ્ટલ લાઈન પર પોલીસ તેમજ કોસ્ટ ગાર્ડની કડક સુરક્ષા જોઈને પકડાઈ જવાના ડરે કોઈ અજાણ્યો સ્મગલર કે પેડલર આ કિંમતી જથ્થો અહીં જ ફેંકીને અથવા છુપાવીને ભાગી ગયો હોઈ શકે છે.


 દ્વારકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ચરસ કયા દરિયાઈ માર્ગેથી બંગાળ કે પાકિસ્તાન તરફથી આવ્યું હતું, તેની ડિલિવરી કોને થવાની હતી અને આ નેટવર્ક પાછળ કોણ છે, તે જાણવા માટે સ્થાનિક બાતમીદારો અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.

Advertisement