Advertisement

દ્વારકાધીશ મંદિરે ઉજવાશે અદ્ભુત મહોત્સવ: અધિક માસમાં એક જ મહિનામાં જન્માષ્ટમી, રામનવમી અને અન્નકૂટ સહિતના તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાશે, જુઓ આખું શેડ્યૂલ અને દર્શનનો સમય

દ્વારકાધીશ મંદિરે ઉજવાશે અદ્ભુત મહોત્સવ: અધિક માસમાં એક જ મહિનામાં જન્માષ્ટમી, રામનવમી અને અન્નકૂટ સહિતના તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાશે, જુઓ આખું શેડ્યૂલ અને દર્શનનો સમય

દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરેથી કૃષ્ણભક્તો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પવિત્ર અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે વર્ષભરના તમામ મુખ્ય તહેવારો અને ઉત્સવો એક જ મહિનામાં તિથિ પ્રમાણે ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ માસ દરમિયાન મંદિરમાં હિંડોળા દર્શન, વસંતપંચમી, રામનવમી, વિજયાદશમી, પુષ્પશૃંગાર, તુલસી વિવાહ, વામન દ્વાદશી, દેવદિવાળી, જન્માષ્ટમી અને ગોવર્ધન પૂજા (અન્નકૂટ મનોરથ) જેવા અનેક દિવ્ય ઉત્સવો પરંપરાગત રીતે ઉજવાશે. જેને પગલે જગત મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, આગામી ૨૦ મે, બુધવારના રોજ ભવ્ય હિંડોળા ઉત્સવ સાથે આ ધાર્મિક મહોત્સવની શરૂઆત થશે, જેના ઉત્સવ દર્શન સાંજે યોજાશે. ત્યારબાદ ૨૧ મેના રોજ વસંત પંચમી અને ૨૪ મેના રોજ રામનવમી ઉત્સવ ઉજવાશે. રામનવમીના દિવસે સવારે ૧૦:૧૫ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ભગવાનના દર્શન બંધ રહેશે અને બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉત્સવ આરતી સાથે દર્શન ખુલશે. ૨૫ મેના રોજ વિજયાદશમી અને ૨૬ મેના રોજ આકર્ષક પુષ્પ શૃંગારના દર્શન સાંજના સમયે ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. ૨૭ મેના રોજ તુલસી વિવાહ ઉત્સવ અને ૨૮ મેના રોજ વામન દ્વાદશી ઉત્સવ ઉજવાશે, જેમાં વામન દ્વાદશીની વિશેષ ઉત્સવ આરતી બપોરે ૧૨:૦૦ વાગ્યે થશે અને દર્શન બપોરે ૧:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે ૩૧ મે, રવિવારના રોજ દેવદિવાળી (પૂનમ) નો મહોત્સવ મનાવવામાં આવશે.


આ પવિત્ર માસના સૌથી મુખ્ય આકર્ષણ સમાન કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉત્સવ ૮ જૂન, સોમવારના રોજ જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે. આ દિવસે નિત્યક્રમમાં મોટો ફેરફાર કરાયો છે, જેમાં મંગળા આરતી સવારે ૬:૦૦ વાગ્યે થશે અને મંગળા દર્શન સવારે ૮:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી કાનુડાના ખુલ્લા પડદે દિવ્ય અભિષેક દર્શન યોજાશે અને રાત્રે ૧૨:૦૦ થી મધ્યરાત્રિના ૦૧:૩૦ વાગ્યા સુધી નંદઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. મહોત્સવના અંતિમ ચરણમાં ૧૫ જૂન, સોમવારના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ યોજાશે, જેમાં સવારે ૧૧:૩૦ વાગ્યે ગોવર્ધન પૂજા કર્યા બાદ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી ઠાકોરજી સન્મુખ છપ્પન ભોગનો અન્નકૂટ મનોરથ ધરાવવામાં આવશે. શ્રદ્ધાળુઓને આ તમામ ઉત્સવોનો લાભ લેવા મંદિર તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement