દુષ્કર્મ કેસમાં નવાખલ ગામના સરપંચને રાહત નહીં, સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

દુષ્કર્મ કેસમાં નવાખલ ગામના સરપંચને રાહત નહીં, સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

નવાખલ: દુષ્કર્મના કેસમાં આરોપી બનાવાયેલા નવાખલ ગામના સરપંચ દિલીપ ઉર્ફે દીપો ભાઈલાલ સોલંકીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી છે.

કોર્ટમાં બચાવ પક્ષે આરોપીના વકીલ દ્વારા વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી. વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલ અંધ છે અને તેઓ બાઈક ચલાવી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો કેવી રીતે અપલોડ કરી શકે તે અંગે પણ દલીલ કરવામાં આવી હતી.

બચાવ પક્ષે વધુમાં એવો દાવો કર્યો હતો કે આરોપી ગામના સરપંચ હોવાથી તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે. પીડિતાની ઉંમર 21 વર્ષ હોવાથી તેને સારા-નરસાની સમજ હોવાની દલીલ પણ કરવામાં આવી હતી.

સરકારી પક્ષે જામીનનો વિરોધ કર્યો

સરકાર તરફથી એડવોકેટ એ.એસ. જાડેજાએ આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકારી પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી ગામના સરપંચના હોદ્દા પર હોવાથી સાક્ષીઓ અથવા પુરાવા પર અસર કરવાની શક્યતા નકારી શકાય નહીં.

સરકારી પક્ષે આરોપીના અંધત્વ અંગેના પ્રમાણપત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રમાણપત્ર આશરે પાંચ વર્ષ જૂનું હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું.

મોબાઈલમાંથી પીડિતાનો ફોટો મળ્યાની દલીલ

સરકારી પક્ષે વધુમાં કોર્ટને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી પીડિતાનો ફોટો મળી આવ્યો છે. આવી સ્થિતિમાં આરોપીને જામીન આપવામાં આવે તો ચાલી રહેલી તપાસ પર અસર પડી શકે તેવી દલીલ કરવામાં આવી હતી.

બંને પક્ષોની દલીલો અને કેસના સંજોગોને ધ્યાનમાં લીધા બાદ સેશન્સ કોર્ટે દિલીપ સોલંકીની જામીન અરજી ફગાવી દીધી છે.

કેસમાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.