30 સપ્ટેમ્બરે દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ 1073માં બનેલી ગંભીર ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નવા ફૂટેજમાં કેટલાક ઈઝરાયલી મુસાફરો ઓમાની કો-પાઈલટને કાબૂમાં લેતા અને ઘાયલ કેપ્ટન પર નજર રાખતા જોવા મળી રહ્યા છે.
ચેનલ 12ના અહેવાલ મુજબ, ઘટનાની વચ્ચે મુસાફરોને આશંકા હતી કે વિમાનને સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ તેમની ધરપકડ થઈ શકે છે. મુસાફરોને એવો પણ ડર હતો કે ઘટનામાં થયેલી હિંસા માટે સાઉદી અધિકારીઓ તેમને જવાબદાર ઠેરવી શકે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મુસાફરો કો-પાઈલટને કાબૂમાં લીધા બાદ સમગ્ર ઘટનાના પુરાવા તરીકે વીડિયો રેકોર્ડ કરતા જોવા મળે છે. કેટલાક મુસાફરોના કપડાં પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન ઈઝરાયલી મુસાફર ડૉ. શોતા મુસાયેવ અન્ય મુસાફરોને ઘટનાનો વીડિયો બનાવવાની અપીલ કરતા સંભળાય છે. મુસાફરોનું માનવું હતું કે સાઉદી અરેબિયામાં ઉતર્યા બાદ ઘટનાની તેમની વાતને સાબિત કરવા માટે વીડિયો મહત્વનો પુરાવો બની શકે છે.
વીડિયોમાં કેટલાક મુસાફરો કેપ્ટન સ્મિતને જાગતા રાખવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે. ઘટનાની ગંભીરતા વચ્ચે મુસાફરોમાં ભારે ગભરાટનો માહોલ હતો.
આ સમગ્ર ઘટનામાં મદદ કરનારા અન્ય એક ઈઝરાયલી મુસાફર યાનીવ હાયૌન મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે વિમાનમાં કેમેરા લાગેલા છે અને સમગ્ર ઘટનાનો રેકોર્ડ ઉપલબ્ધ છે.
ફ્લાઈટને અંતે સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે અને નવા વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલાની વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે.