બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. FWICEએ રણવીર સિંહ વિરુદ્ધ જાહેર કરાયેલ 'નોન-કોઓપરેશન' (સહકાર ન આપવાનો) નિર્દેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. અભિનેતા દ્વારા મોકલવામાં આવેલી લીગલ નોટિસ બાદ સંસ્થાએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
'ડોન 3'માંથી બહાર નીકળવા મુદ્દે શરૂ થયો હતો વિવાદ
આ સમગ્ર વિવાદ ફિલ્મ 'ડોન 3' સાથે જોડાયેલો છે. ફિલ્મના નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે રણવીર સિંહના પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાના નિર્ણયને કારણે પ્રિ-પ્રોડક્શન પાછળ થયેલો અંદાજે ₹45 કરોડથી વધુનો ખર્ચ જોખમમાં મુકાયો છે. આ ફરિયાદના આધારે FWICEએ 25 મેના રોજ અભિનેતા સામે નોન-કોઓપરેશનનો આદેશ જાહેર કર્યો હતો.
ઈન્ડસ્ટ્રીના હિતમાં લેવાયો નિર્ણય
FWICEના પ્રમુખ બી. એન. તિવારીએ જણાવ્યું કે ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPAA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)ની દરમિયાનગીરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગના તમામ હિતધારકોને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કોઈપણ પક્ષને નુકસાન ન થાય.
લીગલ નોટિસનો કાયદેસર જવાબ અપાશે
જોકે FWICEએ પોતાનો પ્રતિબંધ પાછો ખેંચ્યો છે, તેમ છતાં સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે રણવીર સિંહ તરફથી મોકલવામાં આવેલી લીગલ નોટિસનો જવાબ કાયદાકીય પ્રક્રિયા મુજબ આપવામાં આવશે. બીજી તરફ, રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અભિનેતાએ હંમેશા ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા લોકો પ્રત્યે આદર અને સદ્ભાવના જાળવી રાખી છે.
સમાધાનના પ્રયાસો પણ રહ્યા નિષ્ફળ
આ મામલો અગાઉ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સુધી પણ પહોંચ્યો હતો, જ્યાં વરિષ્ઠ નિર્માતાઓએ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસો સફળ રહ્યા નહોતા. ફિલ્મની નિર્માતા કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટનો દાવો છે કે સેટ ડિઝાઇન, લોકેશન બુકિંગ અને અન્ય પ્રિ-પ્રોડક્શન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો.
અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે: ફરહાન અખ્તર
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ડિરેક્ટર ફરહાન અખ્તરએ જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રોજેક્ટ કેમેરા પર શૂટ ન થાય ત્યાં સુધી તેને સંપૂર્ણ રીતે ફાઈનલ માનવો યોગ્ય નથી અને દરેક વ્યક્તિએ અણધારી પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.