સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે એક અદભૂત અને ભક્તિમય નજારો જોવા મળ્યો હતો. 'સોમનાથ અમૃત મહોત્સવ'ના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ મંદિરમાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન જ્યારે મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે ડમરુના ગુંજારવ અને શંખના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ મંદિરના પ્રાંગણમાં શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર શરૂ થયા હતા. પરંપરાગત વાદ્યો અને ડમરુના નાદ વચ્ચે "હર હર મહાદેવ"ના પ્રચંડ જયઘોષ સાથે પીએમ મોદીએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. શિસ્તબદ્ધ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાઈ રહેલા 'અમૃત મહોત્સવ'માં સહભાગી થવા માટે વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદીએ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ઉચ્ચ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને પણ હાથ હલાવીને ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના દરિયાકિનારે ગુંજતા શંખનાદ અને શિવસ્તુતિએ ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ સર્જ્યો હતો.
વડાપ્રધાનના આ પ્રવાસને પગલે સોમનાથમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.