દિવ્યાંગ કર્મચારીઓની બઢતીમાં અનામત અંગે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

દિવ્યાંગ કર્મચારીઓની બઢતીમાં અનામત અંગે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે ગુજરાત સરકારે મહત્વનું પગલું ભર્યું છે.

આ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગેની નીતિનો સમગ્ર અભ્યાસ કરશે. જેમાં ભારત સરકારની સૂચનાઓ, અન્ય રાજ્યોમાં અમલમાં રહેલી નીતિઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવશે.

આ ઉપરાંત, બઢતીમાં અનામતની ટકાવારી કેટલી હોવી જોઈએ, તેનો અમલ કેવી રીતે કરવો અને નીતિ બનાવવા માટે કયા જરૂરી પગલાં લેવા જોઈએ તે અંગે પણ સમિતિ ભલામણ કરશે.

સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિતિને જરૂરિયાત મુજબ વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓ પાસેથી માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા પણ આપવામાં આવી છે.

હવે સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે.