દિવાળીના તહેવારોમાં આણંદ જિલ્લામાં ઈમરજન્સી કેસોમાં વધારાની શક્યતા, 108ની ટીમ એલર્ટ

દિવાળીના તહેવારોમાં આણંદ જિલ્લામાં ઈમરજન્સી કેસોમાં વધારાની શક્યતા, 108ની ટીમ એલર્ટ

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારોની ઉજવણી દરમિયાન સર્જાઈ શકતી સંભવિત ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગાહી કરવામાં આવી છે. ભૂતકાળના આંકડાઓ અને અગાઉના વર્ષોમાં નોંધાયેલા ઈમરજન્સી કેસોના વિશ્લેષણના આધારે દિવાળી દરમિયાન ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દિવાળીના દિવસે ઈમરજન્સી કેસોમાં આશરે 25 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે નવા વર્ષ દરમિયાન 11 ટકા સુધી કેસ વધવાની સંભાવના છે.

આણંદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ 134 ઈમરજન્સી કેસ નોંધાય છે. જોકે, દિવાળીના દિવસે આ આંકડો 24.63 ટકાના વધારા સાથે વધીને 167 સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, 10 નવેમ્બરના રોજ નવા વર્ષના દિવસે 10.45 ટકાના વધારા સાથે 148 ઈમરજન્સી કેસ નોંધાઈ શકે છે. જ્યારે 11 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે 21.64 ટકાના વધારા સાથે 163 ઈમરજન્સી કેસ નોંધાવાની આગાહી કરવામાં આવી છે.

39 એમ્બ્યુલન્સ અને 170 આરોગ્ય યોદ્ધાઓ રહેશે તૈનાત

તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં સંભવિત વધારાને પહોંચી વળવા 108 ઈમરજન્સી સેવા દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં 39 જેટલી 108 એમ્બ્યુલન્સ અને અંદાજે 170 આરોગ્ય યોદ્ધાઓ તહેવારો દરમિયાન સતત લોકોની સેવા માટે ખડેપગે તૈનાત રહેશે.

108 અને 112 નંબર પર મળશે ઈમરજન્સી સહાય

નાગરિકોને ઈમરજન્સી સમયે ઝડપી સહાય મળી રહે તે માટે હવે 112 નંબર પણ કાર્યરત છે. અગાઉ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી સેવાઓ માટે અલગ-અલગ નંબરો પર સંપર્ક કરવો પડતો હતો, પરંતુ હવે 112 હેલ્પલાઇન મારફતે વિવિધ ઈમરજન્સી સેવાઓ માટે સંપર્ક કરી શકાય છે. નાગરિકો તબીબી ઈમરજન્સી માટે 108 અથવા 112 બંને નંબરો પર સંપર્ક કરી શકે છે.

તહેવારની ખુશીઓ વચ્ચે સાવચેતી રાખવી જરૂરી

દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી તેમજ ખાદ્ય પદાર્થોનું સેવન કરતી વખતે તકેદારી રાખવી જરૂરી છે. નાગરિકોની નાની એવી બેદરકારી પણ ગંભીર અકસ્માત કે ઈમરજન્સીનું કારણ બની શકે છે. ત્યારે તહેવારોની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે થાય તે માટે સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે.