દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માંગમાં વધારો થતો હોય છે. ત્યારે લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો મળી રહે તે હેતુથી આણંદ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આણંદ, વિદ્યાનગર, ખંભાત, બોરસદ અને ઉમરેઠ સહિતના શહેરોમાં મીઠાઈ અને ફરસાણની કુલ 82 દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
માવો અને મીઠાઈના નમૂના તપાસ માટે મોકલાયા
ફૂડ વિભાગની ટીમે દુકાનોમાં ખાદ્યચીજોની સ્થળ પર તપાસ કરતાં કેટલીક જગ્યાએ માવાની ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી. આ ઉપરાંત માવા, ચાંદીના વરખ અને અન્ય સામગ્રીમાં ભેળસેળ હોવાની આશંકાને પગલે નમૂના લેવામાં આવ્યા હતા.
બર્ફી અને ગુલાબજાંબુ સહિતની કેટલીક મીઠાઈઓ શંકાસ્પદ જણાતાં સાતથી વધુ નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર તપાસ દરમિયાન કુલ 53 જેટલા શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓનો રિપોર્ટ દિવાળી બાદ આવવાની શક્યતા છે.
ફરસાણની દુકાનોમાં તેલની ગુણવત્તાની ચકાસણી
મીઠાઈની દુકાનો ઉપરાંત ફરસાણના એકમોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ માટે મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી અને TPC મીટરની મદદથી તેલની ગુણવત્તા સ્થળ પર જ ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક એકમોમાં TPCનું પ્રમાણ 25થી વધુ નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ખાદ્યચીજોની ગુણવત્તા અને તેમાં ભેળસેળ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે. જોકે, રિપોર્ટ દિવાળી બાદ આવવાનો હોવાથી ત્યાં સુધી શંકાસ્પદ ખાદ્યચીજોનું વેચાણ ચાલુ રહેવાની શક્યતા અંગે પણ સવાલો ઊભા થયા છે.
ભેળસેળવાળો માવો સ્વાસ્થ્ય માટે જોખમી
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલના જણાવ્યા અનુસાર, ભેળસેળવાળા માવામાં યુરિયા, સ્ટાર્ચ અને ડિટર્જન્ટ જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ થવાની શક્યતા હોય છે. આવા પદાર્થો શરીરમાં પહોંચે તો લીવર અને કિડનીની કાર્યક્ષમતા પર ગંભીર અસર થઈ શકે છે.
માવાને લાંબા સમય સુધી સાચવવા અથવા ઓછા ખર્ચે તૈયાર કરવા માટે તેમાં સિન્થેટિક કેમિકલ્સ, હલકી ગુણવત્તાવાળા તેલ-ચરબી અને હાનિકારક રંગો ભેળવવામાં આવતા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમય સુધી હલકી ગુણવત્તાવાળો ખોરાક લેવાથી શરીરના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતી વખતે નાગરિકોએ ગુણવત્તા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે ફૂડ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા 53 નમૂનાઓના રિપોર્ટમાં શું સામે આવે છે અને ત્યારબાદ દુકાનદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.