આણંદમાં રાજા રણછોડ માર્કેટના વેપારીઓ માટે દિવાળીના તહેવાર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત માર્ચ મહિનામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલી 87 જેટલી દુકાનોના મામલે આણંદની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટે વેપારીઓની તરફેણમાં મનાઈ હુકમ જારી કર્યો છે. કોર્ટના આદેશથી વર્ષોથી રોજગાર સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 1975માં આણંદના તત્કાલીન ધારાસભ્યની રજૂઆતને પગલે રાજ્યપાલ દ્વારા રાજા રણછોડ માર્કેટ ખાતે કાચી-પાકી દુકાનો ઊભી કરીને વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ મંજૂરી સાથે સ્થળ પર પાકું બાંધકામ નહીં કરવાની શરત પણ રાખવામાં આવી હતી. સમય જતાં અહીં પાકી દુકાનોનું નિર્માણ થયું હતું.
આ જગ્યાએ અગાઉ પાલિકા દ્વારા ભાડું વસૂલ કરીને વેપારીઓને દુકાનો ફાળવવામાં આવી હતી. પરિણામે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અંદાજે 87 વેપારીઓ અહીં પોતાનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
જોકે, કરમસદ-આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ ગત માર્ચ મહિનામાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી કરવામાં આવી હતી. રજાના દિવસે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં રાજા રણછોડ માર્કેટની 87 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ તંત્ર દ્વારા જગ્યાનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો હતો.
મનપાની આ કાર્યવાહીથી રોજગારી ગુમાવનારા વેપારીઓએ પોતાના હક માટે કાનૂની લડત શરૂ કરી હતી. વેપારીઓએ રેગ્યુલર સિવિલ દાવો દાખલ કરીને ન્યાયાલય સમક્ષ ન્યાયની માગ કરી હતી. આ મામલે થયેલી સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ અને દસ્તાવેજો ધ્યાને લઈને આણંદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ દ્વારા શુક્રવારે વેપારીઓની તરફેણમાં મનાઈ હુકમ આપવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર વચ્ચે કોર્ટનો નિર્ણય વેપારીઓ માટે આશાનું કિરણ બન્યો છે. લાંબા સમયથી પોતાના વ્યવસાયથી દૂર રહેલા વેપારીઓ હવે ફરી એકવાર રાજા રણછોડ માર્કેટ ખાતે ધંધો શરૂ કરી શકશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં કોર્ટના વચગાળાના આદેશ બાદ વેપારીઓમાં ઉત્સાહનો માહોલ છે. જોકે, આ મનાઈ હુકમના અમલ અને આગળની કાનૂની પ્રક્રિયા અંગે હવે મહાનગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.