દિવાળીએ કાર કોટિંગ કંપનીઓ પર GSTના દરોડા, ટેક્સ ચોરી ઓછી દર્શાવાઈ હોવાની ચર્ચા; અધિકારીઓની કામગીરી સામે સવાલો

દિવાળીએ કાર કોટિંગ કંપનીઓ પર GSTના દરોડા, ટેક્સ ચોરી ઓછી દર્શાવાઈ હોવાની ચર્ચા; અધિકારીઓની કામગીરી સામે સવાલો

દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદ સ્ટેટ GST એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા આણંદ શહેર અને વિદ્યાનગર GIDCમાં આવેલી કાર કોટિંગ કરતી કંપનીઓ પર દરોડા પાડવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. આણંદની બે અને વિદ્યાનગર GIDCની એક સહિત કુલ ત્રણ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર કાર્યવાહીમાં વાસ્તવિક ટેક્સ ચોરીની સરખામણીએ ચોપડે ઓછી ચોરી દર્શાવવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેને પગલે GST વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

મળતી વિગતો અનુસાર, નવી કાર પર સિરામિક અને ગ્રાફિક કોટિંગ કરાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ પ્રકારની સર્વિસ માટે ગ્રાહકો પાસેથી ઊંચી રકમ વસૂલવામાં આવે છે. આવી સેવાઓ પર લાગુ પડતા 18 ટકા GSTને કારણે કેટલીક પેઢીઓ દ્વારા રોકડ વ્યવહારો મારફતે કરચોરી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. GST વિભાગના પ્રાથમિક સરવે દરમિયાન આ પ્રકારની ગેરરીતિઓ ધ્યાને આવતા એન્ફોર્સમેન્ટ ટીમે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના સમયગાળા દરમિયાન ટીમ દ્વારા આણંદ શહેરની બે અને વિદ્યાનગર GIDCની એક કાર કોટિંગ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, આણંદમાં થયેલી કાર્યવાહી બાદ તપાસમાં કેટલી કરચોરી બહાર આવી અને સરકારની તિજોરીમાં કેટલો ટેક્સ જમા થયો તે અંગે સ્પષ્ટ વિગતો સામે આવી નથી. બીજી તરફ, વાસ્તવિક કરચોરી કરતાં ઓછી રકમ દર્શાવાઈ હોવાની તેમજ સ્થળ પર જ મામલો પતાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ વેપારી આલમમાં થઈ રહી છે. જોકે, આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

જીમ સેન્ટરોમાં GST વસૂલાત અને જમા કરાવવા અંગે પણ સવાલો

આણંદ અને વિદ્યાનગરમાં GST સંબંધિત ગેરરીતિઓની ચર્ચા માત્ર કાર કોટિંગ કંપનીઓ પૂરતી સીમિત નથી. વિદ્યાનગર રોડ પર આવેલા એક જીમ સેન્ટરમાં આશરે ત્રણ મહિના અગાઉ GST વિભાગે દરોડા પાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

જીમ મેમ્બરશિપ, પર્સનલ ટ્રેનિંગ અને ફિટનેસ સંબંધિત સેવાઓ પર લાગુ પડતા GSTની વસૂલાત અને સરકારી તિજોરીમાં તેની જમા રકમ અંગે પણ સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બર, 2025 પહેલાં જીમની સેવાઓ પર 18 ટકા GST લાગુ હતો, જ્યારે ત્યારબાદ સુધારેલા દર મુજબ સામાન્ય જીમ મેમ્બરશિપ અને ફિટનેસ સેવાઓ પર 5 ટકા GST લાગુ થયો હતો.

આણંદ-વિદ્યાનગરના કેટલાક જીમ સેન્ટરોમાં GST લાગુ હોવાના બોર્ડ લગાવવામાં આવતા હોવા છતાં સભ્યો પાસેથી રોકડમાં ફી વસૂલાતી હોવાની અને વસૂલવામાં આવેલી GSTની રકમ સરકારમાં જમા ન થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી જ એક ફરિયાદના આધારે વિદ્યાનગર રોડ પરના જીમમાં તપાસ હાથ ધરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ કાર્યવાહીનું સત્તાવાર પરિણામ જાહેર થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.

ગત વર્ષે તમાકુના વેપારીઓને ત્યાં દરોડા બાદ પણ ચર્ચાઓ

GST વિભાગની દરોડાની કાર્યવાહી અને તેના પરિણામો અંગે આણંદ જિલ્લામાં અગાઉ પણ ચર્ચાઓ થઈ ચૂકી છે. ગત વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન તમાકુના છથી સાત વેપારીઓને ત્યાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

તે સમયે અધિકારીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, ડિજિટલ ડેટા, હિસાબી ચોપડા અને શંકાસ્પદ કાચી ચિઠ્ઠીઓ સહિતના દસ્તાવેજો તપાસ અર્થે કબજે લીધા હોવાની વિગતો સામે આવી હતી. જોકે, ત્યારબાદ આ તપાસમાં કેટલી કરચોરી બહાર આવી અને કેટલો દંડ કે ટેક્સ વસૂલવામાં આવ્યો તેની વિગતો અંગે પણ ચર્ચાઓ રહી હતી.

દરોડા બાદ કેટલો ટેક્સ વસૂલાયો તે જાહેર કરવાની માગ

આણંદ અને વિદ્યાનગરમાં GST વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની કાર્યવાહી બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. દરોડામાં કેટલી કરચોરી બહાર આવી? કેટલી રકમની રોકડ કે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા? સરકારને કેટલો ટેક્સ અને દંડ વસૂલાયો? તેમજ તપાસના અંતે કઈ પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી?

આ તમામ બાબતો અંગે GST વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કરચોરી સામે કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની પારદર્શક વિગતો જાહેર થવી જરૂરી છે, જેથી સરકારી તિજોરીને થયેલા સંભવિત નુકસાન અને વિભાગની કામગીરી અંગે સ્પષ્ટતા થઈ શકે.