દિવાળી પહેલાં ફટાકડાના હંગામી વેચાણ માટે પરવાનગી પ્રક્રિયા શરૂ, 15 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે

દિવાળી પહેલાં ફટાકડાના હંગામી વેચાણ માટે પરવાનગી પ્રક્રિયા શરૂ, 15 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે

આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને આણંદ અને ઉમરેઠ તાલુકામાં હંગામી ધોરણે ફટાકડાનો સંગ્રહ અને વેચાણ કરવા ઈચ્છતા વેપારીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આણંદના SDM કાર્યાલય દ્વારા વેપારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ફટાકડાના હંગામી સંગ્રહ અને વેચાણ માટે ઇચ્છુક અરજદારોએ 15 ઓક્ટોબર, 2026 સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી જરૂરી પુરાવાઓ સાથે ચાર નકલમાં સંબંધિત કચેરીમાં જમા કરાવવાની રહેશે.

અરજી ફોર્મ સાથે રૂ. 3ની કોર્ટ ફી ટિકિટ લગાવવી ફરજિયાત રહેશે. ઉપરાંત, રૂ. 900નું સરકારી ચલણ પણ રજૂ કરવાનું રહેશે, જેમાં રૂ. 300 તપાસ ફી અને રૂ. 600 લાયસન્સ ફીનો સમાવેશ થાય છે.

આ સાથે સૂચિત સ્થળનો એપ્રૂવ્ડ નકશો રજૂ કરવાનો રહેશે. નકશામાં સ્થળની 15 મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો, શાળા, હોસ્પિટલ સહિતની આસપાસની વિગતો દર્શાવવી જરૂરી રહેશે.

અરજદારે ઓળખનો પુરાવો, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સ્થળની માલિકી અંગેનો પુરાવો તેમજ સૂચિત દુકાનના ત્રણ ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે. ફટાકડાના વેચાણ માટે જરૂરી ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને સંબંધિત સ્થાનિક નગરપાલિકાનું NOC પણ ફરજિયાત રહેશે.

ફટાકડાના હંગામી સંગ્રહ અને વેચાણ દરમિયાન સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે. SDM કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

વેપારીઓએ સમયમર્યાદા પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.