દિવાળી પહેલાં ગુજરાતના સરકારી કર્મચારીઓને મોટી રાહતની તૈયારી, DAમાં 3 ટકાનો વધારો થઈ શકે

દિવાળી પહેલાં ગુજરાતના સરકારી કર્મચારીઓને મોટી રાહતની તૈયારી, DAમાં 3 ટકાનો વધારો થઈ શકે

દિવાળી પહેલાં ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 3 ટકાનો વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય અમલી બનશે તો રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને આર્થિક લાભ મળી શકે છે. જોકે, વધારાનો અમલ કઈ તારીખથી થશે અને એરિયર્સ મળશે કે નહીં તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને ફાયદો થઈ શકે

સરકારના અગાઉના આંકડા પ્રમાણે રાજ્યના આશરે 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનધારકોને આ વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર અને પંચાયત સેવા હેઠળના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે મે 2026માં ગુજરાત સરકારે 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે વધુ 3 ટકાનો વધારો લાગુ થાય તો મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા થઈ શકે છે.

₹30 હજારના મૂળ પગાર પર દર મહિને ₹900નો વધારો

જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર ₹30,000 હોય તો હાલમાં 60 ટકા DA મુજબ તેને ₹18,000 મોંઘવારી ભથ્થું મળે છે. DAનો દર 63 ટકા થતાં આ રકમ વધીને ₹18,900 થઈ જશે. એટલે કે કર્મચારીને દર મહિને ₹900નો વધારાનો લાભ મળી શકે છે.

9 નવેમ્બરે જાહેર રજા, 12 ડિસેમ્બરે કચેરીઓ ચાલુ રહેશે

બીજી તરફ, રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારના રોજ પડતર દિવસે જાહેર રજા આપવાની તૈયારી કરવામાં આવી છે. આ રજાના બદલામાં 12 ડિસેમ્બર, શનિવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. આ અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ અંગેની સત્તાવાર સૂચનાની રાહ જોવાઈ રહી છે.

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં પીવાના પાણીની જરૂરિયાત માટે પૂરતો જથ્થો અનામત રાખ્યા બાદ વધારાનું પાણી ખેડૂતોને આપી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત શિયાળુ પાકના વાવેતર અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અલગથી બેઠક કરી શકે છે.

સરકાર દ્વારા ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકનું વાવેતર કરવા માટે પણ અપીલ કરવામાં આવે તેવી શક્યતા છે.

હાલ DAમાં વધારો, જાહેર રજા અને ખેડૂતોને સિંચાઈના પાણીના મુદ્દે સરકારની સત્તાવાર જાહેરાત પર કર્મચારીઓ, પેન્શનધારકો અને ખેડૂતોની નજર છે.