ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ
નડિયાદ : નડિયાદ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી સરદાર ભુવનના ડિમોલિશનની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશન પૂર્વે રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવાનું મનપા તંત્ર ભૂલી જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા મંગળવારે વર્ષો જૂનું સરદાર ભુવન તોડી પાડવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ સવારથી જ જેસીબી અને અન્ય મશીનરી સાથે તંત્ર મેદાનમાં ઉતરી પડયું હતું. જોકે, આ પ્રકારની કોઈ પણ મોટી કામગીરી હાથ ધરતા પહેલા જે-તે વિસ્તારના રસ્તાઓ બંધ કરવા અથવા વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૃટ ડાયવર્ટ કરવાનું જાહેરનામું બહાર પાડવું અનિવાર્ય હોય છે. પાલિકા પ્રશાસને આ પાયાની પ્રક્રિયામાં જ મોટી ભૂલ કરી હતી અને કોઈ પણ જાતની પૂર્વ સૂચના વગર સીધી જ કામગીરી શરૃ કરી દેતા મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ડિમોલિશનને કારણે રસ્તાઓ પર કાટમાળ અને મશીનરી ગોઠવાયેલી હોવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો, છતાં બીજી તરફથી આવતા વાહનોને રોકવા માટે કોઈ આગોતરી વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિકની ગંભીર સ્થિતિ પેદા થઈ હતી. ખાસ કરીને ઓફિસ જનારા લોકો અને શાળાના વિદ્યાર્થીઓને આ અંધાધૂંધીના કારણે સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા શહેરના વિકાસ માટે કરવામાં આવતી કામગીરી જરૃરી હોવા છતાં, આયોજન અને સંકલનના અભાવે સામાન્ય નાગરિકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાએ મહાનગરપાલિકાની વહીવટી કાર્યક્ષમતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.