દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગ ઈમારતના બીજા, ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે ઉપરના માળમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, ઘટના સમયે બચાવ દળોએ ઝડપથી કામગીરી હાથ ધરી અને અંદાજે 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આગને કાબૂમાં લેવા માટે 12થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.
ફાયર કંટ્રોલ રૂમને સવારે લગભગ 3:47 વાગ્યે આગ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ એસી (AC) બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
હાલમાં આગ કયા ચોક્કસ માળ કે હિસ્સામાંથી શરૂ થઈ તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કામગીરી ચાલુ છે, જ્યારે પ્રશાસન દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.