દિલ્હી ફરી દહેશતમાં! સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો આરોપ

દિલ્હી ફરી દહેશતમાં! સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો આરોપ

દિલ્હી ફરી દહેશતમાં! સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો આરોપ

દિલ્હીમાં ફરી એકવાર સ્લીપર બસની અંદર સગીરા સાથે ગેંગરેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઘટના 4 ઓગસ્ટની હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસે સોમવારે તેની જાણકારી આપી.

પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિની છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા પરિવારથી નારાજ થઈને નોઈડામાં રહેતા પિતરાઈ ભાઈ પાસે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે રસ્તો ભટકી ગઈ અને ગ્રેટર નોઈડાના પરી ચોક પર પહોંચી.

આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ. વિદ્યાર્થિનીએ બસ રોકવાનો ઈશારો કર્યો અને ડ્રાઈવર-કંડક્ટરે તેને નોઈડા સેક્ટર-63 જવાની વાત કહી બસમાં બેસાડી લીધી.

પરંતુ આરોપ છે કે થોડે દૂર ગયા બાદ કંડક્ટરે સગીરા સાથે અશ્લીલ કૃત્ય કર્યું અને વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ મળીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી લગભગ 47 કિલોમીટરનું અંતર કાપતી વખતે આ ઘટના બની હોવાનો આરોપ છે. બસના સ્લીપર કોચના પડદા બંધ હોવાથી બહારથી કોઈને અંદર શું થઈ રહ્યું હતું તેની જાણ થઈ શકી નહોતી.

કાશ્મીરી ગેટ પાસે સગીરાને ઉતારી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ પોલીસે ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપની તિમારપુરના બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસ પણ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર 16 ડિસેમ્બર 2012ના નિર્ભયા કેસની યાદ તાજી કરી છે, જ્યારે દિલ્હીમાં ચાલતી બસમાં 23 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

હવે સવાલ એ છે કે, દિલ્હીમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટેના દાવા વચ્ચે આવી ઘટનાઓ ક્યારે અટકશે?