કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને આજે બપોરે 12 વાગ્યે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ રજૂ કરવામાં આવશે. શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે યોજાનારી ‘લહેરા દો તિરંગા’ રેલી પહેલાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ દિવસમાં દીપકે સામે આ બીજી વખત પોલીસ કાર્યવાહી થઈ છે.
આ પહેલાં 10 ઓક્ટોબરે દિલ્હી એરપોર્ટ પર તેમને વિમાનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે, બીજા દિવસે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તાજેતરની કાર્યવાહી બાદ આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ સંગઠનો દ્વારા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
નેહા બોરા સહિત આશરે 150 લોકોની અટકાયત
આ જ મામલે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)નાં અધ્યક્ષ નેહા બોરા સહિત આશરે 150 લોકોને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે શનિવારે સવારે લગભગ 5 વાગ્યે નેહા બોરાને મુક્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 હેઠળ કસ્ટડી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તેમને છોડવામાં આવ્યાં હતાં.
AISAએ જોકે, નેહા બોરા સાથેના પોલીસ વ્યવહાર અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. સંગઠનનો દાવો છે કે નેહાને મધરાતે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યાં હતાં, પરંતુ શરૂઆતમાં તેમના વકીલોને મળવા દેવામાં આવ્યાં નહોતાં. સંગઠનના જણાવ્યા અનુસાર, નેહાને લગભગ પાંચ કલાક સુધી દિલ્હીના અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યાં હતાં. બીમાર હોવા છતાં દવાઓ આપવામાં આવી ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
કનોટ પ્લેસ, સંસદ માર્ગ અને જંતર-મંતર પર સુરક્ષા વધારાઈ
દિલ્હીના કનોટ પ્લેસ, સંસદ માર્ગ અને જંતર-મંતર વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જોકે, રસ્તાઓ પર વાહનવ્યવહાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાથી મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર પણ સુરક્ષા વધારવામાં આવી છે.
CJPના લીગલ અફેર્સ હેડ રત્ના સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દીપકેને બપોરે આશરે 12 વાગ્યે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના SEM સમક્ષ રજૂ કરવામાં આવનાર હોવાની માહિતી આપી હતી.
બીજી તરફ, CJPએ દાવો કર્યો છે કે દીપકેને કસ્ટડીમાં લીધા બાદ લાંબા સમય સુધી તેમના ચોક્કસ લોકેશન અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેના જણાવ્યા મુજબ, પોલીસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં દીપકે હોવાનો ઇનકાર કર્યો હતો અને અન્ય પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા જણાવ્યું હતું. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના વકીલોને કસ્ટડીમાં લેવાનું કારણ જણાવવામાં આવ્યું નહોતું.
દિલ્હી પોલીસ સામે કેરળમાં ઝીરો FIR
દિલ્હી પોલીસની કાર્યવાહી વચ્ચે કેરળના તિરુવનંતપુરમ સ્થિત મ્યુઝિયમ પોલીસ સ્ટેશનમાં દિલ્હી પોલીસ વિરુદ્ધ ઝીરો FIR નોંધવામાં આવી છે. ફરિયાદી દિલ્હી યુનિવર્સિટીની કાયદાની વિદ્યાર્થીની અને NSUI કાર્યકર અથીરા વિજયન છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 13 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શન દરમિયાન પોલીસે તેમને અટકાવ્યાં હતાં. ત્યારબાદ ગાળો આપવી, ઢસડવા અને મારપીટ કરવા જેવા આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74, 76, 115, 117, 126, 296(B) અને 391 સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ આક્ષેપો અંગે સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા અને તપાસની આગળની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.
પ્રકાશ રાજનું નિવેદન: CEC વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે
અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદી સાથે સંબંધિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના વિરોધમાં દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો ચાલુ રાખવાની વાત કરી છે.
પ્રકાશ રાજે પોતાના નિવેદનમાં ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહના વિચારોનો ઉલ્લેખ કરીને કહ્યું કે વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. તેમના નિવેદનથી આ મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા વધુ તેજ બની છે.
કલમ 163ના કથિત ભંગ બદલ અનેક FIR
દિલ્હી પોલીસે કનોટ પ્લેસ અને નવી દિલ્હીના અન્ય વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશોના કથિત ઉલ્લંઘન બદલ અનેક FIR નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં કનોટ પ્લેસ ખાતે લોકો એકઠા થયા હતા.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ લાગુ પ્રતિબંધોનો ભંગ કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કલમ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી શકાય છે.
દરમિયાન, NCP (શરદ પવાર)ના પ્રવક્તા અનીશ ગાંડેએ અભિજીત દીપકેને મુક્ત કરવાની માગ કરી છે. તેમનો દાવો છે કે દીપકે તિરંગો લઈને જઈ રહ્યા હતા અને તેમણે પોલીસ પાસે અન્ય સ્થળે જવાની મંજૂરી માગી હતી, પરંતુ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમણે દીપકેના પરિવાર અને વકીલોને તેમના લોકેશન તથા કસ્ટડીનાં કારણ અંગે માહિતી આપવાની પણ માગ કરી છે.
રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અંગે દિલ્હી પોલીસની માર્ગદર્શિકા
‘લહેરા દો તિરંગા’ માર્ચ બાદ દિલ્હી પોલીસે રાષ્ટ્રીય ધ્વજને યોગ્ય રીતે ફરકાવવા, પ્રદર્શિત કરવા અને સંભાળવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં તિરંગાનું સન્માન જાળવવા માટેના નિયમો પર ભાર મૂકવામાં આવ્યો છે.
માર્ગદર્શિકા અનુસાર:
રાષ્ટ્રીય ધ્વજને હંમેશાં સન્માનજનક સ્થિતિમાં રાખવો જોઈએ. તેને જમીન કે પાણીનો સ્પર્શ થવો જોઈએ નહીં.
ધ્વજને ઊંધો, એટલે કે કેસરી પટ્ટો નીચે રહે તે રીતે, ફરકાવવો નહીં. અધિકૃત સૂચના વિના તેને અડધી કાઠીએ પણ ફરકાવવો નહીં.
તિરંગાનો ઉપયોગ કપડાં કે યુનિફોર્મના ભાગ તરીકે ન કરવો અને ગાદલા, રૂમાલ કે નેપકિન જેવી વસ્તુઓ પર તેની છાપ ન કરવી.
રાષ્ટ્રીય ધ્વજ પર કોઈ લખાણ લખવું નહીં કે તેનો સજાવટ માટે કપડાંની જેમ ઉપયોગ કરવો નહીં.
વિશેષ મંજૂર પરિસ્થિતિઓ સિવાય ધ્વજનો ઉપયોગ વસ્તુઓ લઈ જવા કે પકડવા માટે ન કરવો.
મૂર્તિઓ, સ્મારકો, સ્પીચ ડેસ્ક કે મંચને ઢાંકવા માટે ધ્વજનો ઉપયોગ ન કરવો.
વાહનો, ટ્રેનો, નાવો કે વિમાનોના ભાગ પર ધ્વજ લપેટવો નહીં અને ઇમારતોને ઢાંકવા માટે પણ તેનો ઉપયોગ ન કરવો.
રાષ્ટ્રીય ધ્વજના સન્માન અને યોગ્ય ઉપયોગ અંગેના આ નિયમોનું પાલન કરવા દિલ્હી પોલીસે અપીલ કરી છે.
સમગ્ર મામલે હવે શું?
અભિજીત દીપકેની ધરપકડ, નેહા બોરાની અટકાયત અને દિલ્હી પોલીસ સામે નોંધાયેલી ઝીરો FIR બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. એક તરફ પોલીસ પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ CJP અને અન્ય સંગઠનો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.
હવે અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કર્યા બાદ શું કાર્યવાહી થાય છે અને પોલીસ સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.