હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા એક નકલી ડોક્ટરને પાવાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો વતની પ્રદિપ માંડલ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન્સ આપી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની બાતમી એસ.ઓ.જી. (SOG) ગોધરાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે એસ.ઓ.જી. અને મેડિકલ ટીમ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન કથોલા પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ પારગી અને ફાર્માસિસ્ટ દ્રષ્ટીબહેન રાઠવાની હાજરીમાં વાંકડિયા ગામના રોડ પર આવેલા એક મકાનમાં તપાસ હાથ ધરતા 58 વર્ષીય પ્રદિપ માંડલ ક્લિનિક ચલાવતો રંગેહાથ પકડાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેની પાસે પ્રેક્ટિસ કરવા માટેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા.
પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક્સ ટેબ્લેટ્સ, ક્રીમ, વેક્સિન, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર અને સિરીંજ સહિત કુલ ₹9,665નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પાવાગઢ પોલીસે મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે 'ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ' હેઠળ ગુનો નોંધી આરોપી પ્રદિપ માંડલ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.