રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ બોક્સ ઓફિસ પર તોફાની કમાણી સાથે નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. માત્ર ત્રણ જ દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ સ્તરે અંદાજે ₹499 કરોડનું ગ્રોસ કલેક્શન કરી બોલિવુડના ઘણા મોટા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.
ભારતમાં પણ ફિલ્મે શરૂઆતથી જ મજબૂત પકડ બનાવી છે. પ્રથમ બે દિવસમાં ફિલ્મે ₹226.27 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે ત્રીજા દિવસે પણ ફિલ્મે ₹105 કરોડની કમાણી કરી છે. આ રીતે ભારતમાં કુલ નેટ કલેક્શન ₹339.27 કરોડ સુધી પહોંચી ગયું છે અને ગ્રોસ કલેક્શન ₹402.50 કરોડ નોંધાયું છે, જે ફિલ્મની જબરદસ્ત લોકપ્રિયતા દર્શાવે છે.
વિદેશમાં પણ ફિલ્મનો જાદુ છવાયો છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ફિલ્મે મજબૂત કમાણી કરી છે. ખાસ કરીને હિન્દી વર્ઝનમાં ફિલ્મને સૌથી વધુ પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે અન્ય ભાષાઓમાં પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
ફિલ્મના આંકડા જોઈને ટ્રેડ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ‘ધુરંધર 2’ વધુ રેકોર્ડ્સ તોડીને બોલિવુડમાં નવો ઈતિહાસ રચી શકે છે.