Advertisement

ધોરણ-10નું પરિણામ 83.86% જાહેર : દીકરીઓએ ફરી મારી બાજી, 35 હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

ધોરણ-10નું પરિણામ 83.86% જાહેર : દીકરીઓએ ફરી મારી બાજી, 35 હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દીકરીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરી દીકરાઓ કરતાં આગળ રહી બાજી મારી છે. દીકરીઓનું પરિણામ 88.28 ટકા નોંધાયું છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12 ટકા રહ્યું છે. આ રીતે દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ રહ્યું છે.


આ વર્ષે રાજ્યભરમાં કુલ 1697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. વિદ્યાર્થીઓના ગ્રેડ મુજબ જોવામાં આવે તો કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા મેળવી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 7,453 વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે રાજ્યના શિક્ષણ સ્તરમાં સુધારો દર્શાવે છે.


માધ્યમ મુજબ પરિણામમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા નોંધાયું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા રહ્યું છે. વિષયવાર પરિણામમાં બેઝિક ગણિત વિદ્યાર્થીઓ માટે સૌથી મુશ્કેલ વિષય સાબિત થયો છે, જેમાં 1,06,504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે વિજ્ઞાનમાં 94,645 અને ગુજરાતીમાં 49,321 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.


રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શાળાઓમાં વિદ્યાર્થીઓએ સારા પરિણામની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ ઢોલ-નગારા વગાડી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ વહેંચી ખુશીઓ મનાવવામાં આવી હતી.

Advertisement